Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ગોંડલમાં ગરબીમાં શસ્ત્રપૂજન પૂર્વે ફટાકડા ફોડતા મહિલાને ઇજા : એરગનમાંથી ફાયર થયાની ચર્ચા

ઇજાગ્રસ્ત મહિલા રંજનબેન ફટાકડા ફૂટતા ઇજા થયાનું અને કોઇની સામે ફરીયાદ કરવા માંગત નથી તેવું નિવેદન આપ્યું : પી.આઇ. રામાનૂજ

ગોંડલ, તા. ૯ : ગોંડલમાં ભગવતપરા ગરબીમાં શસ્ત્રપૂજન પૂર્વે ફટાકડા ફોડતી વેળાએ મહિલાને ઇજા થઇ હતી. જોકે એરગનમાંથી ફાયરીંગ થયાની પણ ચર્ચા જાગી છે.

ગોંડલ ભગવતપરા ખાતે આવેલ જય અંબે ગરબી મંડળમાં દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજા વીધી રખાય હોય અકસ્માતે ફટાકડા ફોડતી વેળાએ રંજનબેન શૈલેષભાઇ માંડણકા (ઉ.વ.૩પ) ને છાતી પાસે ઇજા થતાં સારવાર માટે ક્રિષ્ના મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ઘટનાને પગલે ઠાકોર વિકાસ કોળી નિગમ પ્રમુખ ભુપતભાઇ ડાભી, પાલિકાના સદસ્ય ચંદુભાઇ ડાભી, ગરબી મંડળના સદસ્યો અને ભગવતપરાના આગેવાનો સહિતનાઓ હોસ્પિટલે દોડી આવ્યા હતાં. મહિલાને સામાન્ય ઇજા થયેલ હોવાનું તબીબી વર્તુળોએ જણાવ્યું હતું.

દરમિયાન આ બનાવ અંગે ગોંડલ સીટીના પી.આઇ. રામાનુજનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, ગરબીમાં શસ્ત્રપૂજન પૂર્વે ફટાકડા ફોડતી વેળાએ મહિલાને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત મહિલાએ તેના નિવેદનમાં ફટાકડા ફૂટવાથી ઇજા થયાનું અને કોઇની સામે પોલીસમાં ફરીયાદ કરવા માંગતા ન હોવાનું જણાવ્યું છે.

જોકે શસ્ત્રપૂજન વખતે એરગનમાંથી ફાયરીંગ થયાની અને આ અંગે ઉંડાણપૂર્વક તપાસ થવી જોઇએ તેવી લોકોમાં ચર્ચા થઇ રહી છે.

(11:32 am IST)