Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

માળીયામાં ભારે વરસાદને પગલે મીઠા ઉદ્યોગને કરોડોની નુકશાની દહીંસરા નજીક બ્રોડગ્રેજ લાઈનનો રેલ્વે ટ્રેકમાં ધોવાણ

મોરબી તા.૧૨ :મોરબી જીલ્લામાં શનિવારે વરસેલા ભારે વરસાદે હાલ વિરામ લીધો છે ત્યારે હવે નુકશાનીના ચિત્ર સ્પષ્ટ થઇ રહયા છે જેમાં માળિયા તાલુકામાં આવેલા મીઠા ઉદ્યોગને કરોડોની નુકશાની થઇ હોવાનું સામે આવ્યું છે મીઠા ઉદ્યોગના કારખાનાઓ પાણીમાં ગરકાવ થયા છે જેને પગલે મીઠાના મોટા જથ્થાને નુકશાની પહોંચી છે

મોરબી જીલ્લામાં ભારે વરસાદ વરસ્યો હોય જેમાં માળિયામાં પણ શનિવારે સારો વરસાદ થયો હતો જેને પગલે માળિયાના મીઠા ઉદ્યોગને મોટી નુકશાની થવા પામી છે મીઠા ઉદ્યોગના અગ્રણી દિલુભા જાડેજા પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મીઠા ઉદ્યોગના ૮૦ હજારથી એક લાખ ટન જેટલો જથ્થો પાણીમાં ગરકાવ થયો છે અને સતત વરસાદ તેમજ ઉપરવાસના સતત પાણીને પગલે સમગ્ર જળ બંબા કાર થયું હતું મીઠા ઉદ્યોગના બધા કારખાનામાં પાણી ભર્યા છે તેમજ બગસરા, ભાવપર કોઝવેમાં પાણી ભરેલા રહેતા અવરજવર બંધ થઇ છે જે કોઝ વે ઊંચા લેવાની માંગ મીઠા ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવી રહી છે તે ઉપરાંત દહીંસરાથી વર્ષામેડી ફાટક વચ્ચે બ્રોડગેજ લાઈન રેલ્વે ટ્રેકમાં પણ ધોવાણ થવા પામ્યું છે માળિયામાં બે વર્ષે પૂર્વે પણ જળ બંબાકાર સ્થિતિને પગલે માળિયા પાણી પાણી થયું હતું ત્યારે પણ નુકશાની થઇ હતી તો આ વર્ષે ભારે વરસાદે ફરીથી મીઠા ઉદ્યોગને મોટો ફટકો માર્યો છે હાલ પાણી ભરેલા હોય નુકશાનીનો સ્પષ્ટ અંદાજ મેળવી સકાય તેમ નથી જોકે ૮૦ હજારથી એક લાખ ટન જેટલો મીઠાનો જથ્થો પાણીમાં ગરક હોય તેવી માહિતી મળી છે અને નુકશાનીનો આંક કરોડોનાં આંકને પાર કરી જાય તેવી શકયતાને પણ નકારી શકાતી નથી.

(11:42 am IST)