Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

કચ્છમાં ભારે વરસાદથી ૩૦૦ વીજ થાંભલા ધરાશયીઃ ૧૪૧ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયોઃ લાખોની નુકશાનીઃ ભાવનગર-અમરેલીની પાંચ-પાંચ ટીમો કચ્છમાં

ભુજઃ  ભારે વરસાદથી નલિયા કોઠારામાં મોટી નુકશાની સર્જાઇ છે ત્યારે સમારકામ માટે ભાવનગર અને અમરેલીની પાંચ-પાંચ ટીમો બપોર સુધીમાં કચ્છ આવી છે અને નલિયા-કોઠારામાં વીજ પુરવઠો કાર્યરત કરવા કામગીરી હાથ ધરશે તેવું અધિક્ષક ઇજનેરે જણાવ્યું હતુ. સામખીયાળીમાં અંજાર, ભચાઉ, અને સામખિયાળીની ટીમો કાર્ય કરી રહી છે. તો કોઠારા, નલિયા, દયાપરમાં પણ કચ્છની ટીમ પહોંચીને કામગીરી કરી રહી છે.

કચ્છ પર મહેરબાન થયેલા મેઘરાજાએ હાલ પુરતો તો પોરો ખાધો છે જેને લઇને પીજીવીસીએલ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રીપેરીંગની કામગીરી આરંભી દેવાઇ છે. કચ્છમાં ભારે વરસાદથી ૩૦૦ જેટલા વીજ થાંભલાઓ ધ્વસ્ત થયા છે તો પશ્ચિમ કચ્છના ૧૧૯ જયારે પૂર્વ કચ્છના રર ગામોમાં હજુ પણ વીજ પૂરવઠો પહોંચ્યો નથી.

પીજીવીસીએલ કચ્છના અધિક્ષક ઇજનેર એ.એસ. ગુરવાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે ભારે પવન અને વરસાદના કારણે પશ્ચિમ કચ્છમાં અંદાજે  ર૦૦ થાંભલા તો પૂર્વ કચ્છમાં સોએક થાંભલા મળી ૩૦૦ થાંભલાઓ પડી ગયા છે.  પશ્ચિમ કચ્છમાં ખાસ તો નલિયા, કોઠારા, વિસ્તારમાં ભારે નુકશાની થઇ છે.  પશ્ચિમ કચ્છમાં ૧પપ ફિડર  ખોટવાયા હતા તો ર૬૧ ગામોમાં પુરવઠો ખોરવાઇ જવા પામ્યો હતો. જેમાંથી ૧૧૯ ગામોમાંથી હજી પણ પુરવઠો પહોંચ્યો નથી.

નલિયા, કોઠારામાં જળબંબાકારની સ્થિતિમાં રસ્તાઓ ધોવાઇ ગયા છે. પાણી ઓસર્યા નથી, જેને લઇને ટીમ હજી સુધી ત્યાં પહોંચી શકી નથી પૂર્વ કચ્છમાં સામખિયાળી, સુરજબારી પટ્ટામાં નુકશાની થઇ છે અહી ૭ ફીડર બંધ પડી જતા રર ગામોમાં લાઇટો ગુલ થઇ હતી.

અધિક્ષક ઇજનેર એ.એસ. ગુરવાએ જણાવ્યું હતું કે હાલમાં યુદ્ધના ધોરણે કામગીરી આરંભી દેવાઇ છે. સંભવતઃ કોઠારામા ભારે નુકશાની નહી હોય તો સવાર સુધીમાં વીજ પુરવઠો પુર્વવત થઇ જશે. નોંધનીય છે કે  અબડાસા, લખપણ અને નખત્રાણા, સામખિયાળી પંથકમાં સારો એવો વરસાદ થતા રોડ ધોવાઇ ગયા છે. તો અમુક ગામો બેટમા઼ ફેરવાયેલા છે ત્યારે પીજીવીસીએલની ટીમ સમારકામ માટે પહોંચે તો કઇ રીતે ? આજે પાણી ઓસરવા લાગતા ટીમો કોઠારા, નલિયા, દયાપર જવા રવાના થશે. ભુજમાં સારો એવો વરસાદ પડયો પણ આ વખતે લાઇટો ગુલ થઇ ન હતી.

(11:22 pm IST)