Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

માળીયા (મી,)ના મોટીબરાર પ્રા,શાળામાં બાળ સંસદ ચૂંટણી સંપન્ન :મહામંત્રી, ઉપમહામંત્રી અને મંત્રી મંડળની રચના

ચાવડા સૃષ્ટિની મહામંત્રી પદ અને પરમાર હિરાલી ની ઉપમહામંત્રી પદ માટે નિમણૂક

મોરબી જિલ્લા, માળિયા(મી.) તાલુકાનાં મોટીબરાર ગામની સરકારી રત્નમણિ પ્રાથમિક શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળ સંસદ ચૂટણી યોજાઈ હતીબાળ સંસદ એટલે બાળકોની, બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે જેમાં બાળકો શાળા અને વર્ગખંડના નીતિનિયમો ઘડવામાં સક્રિય ભાગ લે તેમજ શાળાના વ્યવસ્થાપનમાં, વિકાસમાં, સુધારામાં અને નિર્ણયોમાં ભાગીદાર થાય. મોટીબરારની શાળામાં બાળ સંસદ ચૂટણી માટે પહેલા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું

  આ ચૂટણી માટે શાળાના 12 વિદ્યાર્થીઓએ ઉમેદવાર ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. બાળ સંસદ ચૂટણીમાં શાળાના વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. જેમાં સૌથી વધુ મત મેળવનાર ચાવડા સૃષ્ટિ  મહામંત્રી પદ માટે તેમજ પરમાર હિરાલી ની ઉપમહામંત્રી પદ માટે નિમણૂક થઈ હતી. તો સાથે કાનગડ ભાવેશ, કાનગડ રાજ, જાડેજા મયુરધ્વજસિંહ, પંડ્યા શ્રેયા, અને રાઠોડ રવિ મંત્રી મંડળમાં જોડાયા હતા.

 આ તકે શાળાના શિક્ષક  અનિલભાઈ બદ્રકિયા એ જણાવ્યુ હતું કે બાળ સંસદ વિદ્યાર્થીઓના શિક્ષણ, સ્વાસ્થ્ય અને વ્યક્તિગત વિકાસના સંદર્ભે એક મહત્વની શરૂઆત છે. જેનાથી બાળકોને શીખવા માટેનું એક વાતાવરણ તૈયાર થાય છે. બાળકોમાં નેતૃત્વ, સમૂહભાવના, સમયસર નિર્ણયો લેવાની ક્ષમતા તેમજ સ્વયંશિસ્ત જેવા ગુણો વિકસાવવાની સાથે રાજનીતિશાસ્ત્ર જેવા વિષયને સમજી જીવન ઘડતરમાં પણ ઉપકારક બનાવી શકે છે.

(7:01 pm IST)