Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

આટકોટનું એસ.ટી.બસ સ્ટેન્ડ મુસાફરોને બદલે રઝળતા ઢોરથી ધમધમે છે

બસ સ્ટેન્ડ અને ગામમાં રેઢીયાળ ઢોરનો ભારે ત્રાસઃ પંચાયતના સત્તાધીશો રોજ નજરે જોતા હોવા છતાં નિંભર

આટકોટ તા. ૧૧ : આટકોટના એસ.ટી.બસ સ્ટેન્ડ અને ગામમાં રઝળતા ઢોરની સમસ્યા ઘણા વખતથી હોવા છતાં પંચાયતના સત્તાધીશો કંઇજ ઉકેલ ન આવતા એસ.ટી. બસ સ્ટેન્ડ ઉપર આવતા મુસાફરો અને ગામલોકોમાં વર્તમાન સરપંચ અને બોડી સામે ભારે રોષ છવાયો છે.

આટકોટના બસ સ્ટેન્ડ ઉપર અને જાહેર માર્ગો ઉપર રેઢીયાળ ઢોર અડીંગો જમાવી બેસી જતા હોવાથી રાહદારીઓ અને વાહન-ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે.

બસ સ્ટેન્ડ ઉપર અને ગામમાં અવાર-નવાર આખલા યુદ્ધના પણ બનાવો બને છે. ત્યારે પંચાયતના સત્તાધીશો માત્ર ચુપચાપ તમાશો જોતુ હોય મુસાફરોમાં અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળે છે.

ગ્રામજનો દ્વારા આ અંગે અવાર-નવાર રજુઆતો કરી હોવા છતાં પંચાયતના સરપંચ દેવશીભાઇ ખોખરીયા સહિતનાં સભ્યો આ અંગે કોઇજ પગલા ભરતા નથી.

અગાઉ રખડતા ઢોરને કારણે લોકોને લાગી જવાથી મૃત્યુ થયાના બનાવો પણ બન્યા છે ત્યારે પંચાયતના સરપંચ દેવશીભાઇ ખોખરીયા તથા સભ્યો આ અંગે યોગ્ય કાર્યવાહી કરી ગ્રામજનોને અને મુસાફરોને આ ત્રાસમાંથી મુકત કરે તેવી માંગણી ગ્રામજનોએ કરી છે.

(11:21 am IST)