Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

પોરબંદર : બાળકીનું રબ્બરની ગોળી ગળી જતા મોત નિપજ્યું

શ્વાસનળી ખોરાકથી જામ થઇ જતાં મૃત્યુ થયું : પોરબંદર શહેરમાં રહેતા માલધારી પરિવારની પુત્રી રમત રમતમાં ગોટી મોઢામાં નાંખી દેતાં કરૂણ ઘટના ઘટી ગઈ

અમદાવાદ, તા.૧૦ : પોરબંદરના સાંદીપની રાંઘાવાવ વિસ્તારમાં રહેતા માલધારી પરિવારની છ વર્ષીય બાળકી રમત રમતમાં રબ્બરની ગોળી ગળી જતા આ બાળકીનો શ્વાસ રૃંધાવા લાગ્યો હતો. ઘરના સદસ્યોને જાણ થતાની સાથે જ બાળકીને તાત્કાલીક સરકારી ભાવસિંહજી હોસ્પિટલે ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલે પહોંચે તે પહેલા જ નાની એવી બાળકીનું કરૂણ મોત નીપજ્યું હતું. તો, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શ્વાસનળી ખોરાકથી જામ જોવા મળી હતી. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. માતા-પિતા માટે નાના બાળકો જે રમતાં રમતા અને સૂતા સૂતા ઘણી ચીજવસ્તુઓ રમત રમતમાં મોઢામાં નાંખી દઇ મસ્તી કરતા હોય છે તેવા વાલીઓ માટે બોધપાઠ સમાન એવા આ કિસ્સાની વિગત એવી છે કે, પોરબંદરના ડાયાભાઈ કોડીયાતરની છ વર્ષીય પુત્રી રસીલા ગઇકાલે પોતાની બે વર્ષ મોટી બહેન સાથે ઘરમાં રમી રહી હતી. તે દરમ્યાન રમત રમતમાં રમવા માટેની રબ્બરની ગોળી મોઢામાં નાંખી ગઈ હતી અને આ ગોળી ગળી જતા તેની શ્વાસનળીમાં ફસાઈ ગઈ હતી. આ અંગેની જાણ રસીલાની મોટી બહેન ગીતાને થતા તેણે મોઢામાં હાથ નાખી ગોળી કાઢવાની કોશિષ કરી હતી. પરંતુ એટલી વારમાં તો રસીલાનો શ્વાસ રૃંધાવા લાગતા તેને તુરંત મોટરસાયકલમાં બેસાડી સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ રબ્બરની ગોળી બરાબરની શ્વાસનળીમાં ફસાઈ ગઈ હોય રસીલા ભાવસિંહજી હોસ્પિટલમાં પહોંચે તે પહેલા કમલાબાગ નજીક રસ્તામાં જ તેનું પ્રાણપંખેરૃં ઉડી ગયું હતું. આ બનાવને લઇ ભારે ચકચાર મચી ગઇ હતી અને સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ કિસ્સાને લઇ નિષ્ણાત તબીબોએ શીખ આપતાં જણાવ્યું હતું કે, સૌથી વધુ ૩થી ૬ વર્ષના બાળકો રમકડાથી રમતા હોય છે ત્યારે રમકડામાં આવતો નાનો એલઇડી બલ્બ, સ્ક્રુ, પથ્થર જેવી વસ્તુઓ મોઢામાં નાખતા હોય છે અને ઘણી વખત ગળી જતા હોય છે, આવી ગળી જવાની વસ્તુઓમાં શીંગદાણાના ટુકડા પણ હોય છે.

બાળકો સૂતા-સૂતા વસ્તુઓ ખાતા હોય છે જેથી મોઢામાં ગળી જવાની શક્યતા વધુ જોવા મળે છે. લખોટી જેવી વસ્તુઓ સરળતાથી ગળામાં ફસાઈ જાય છે જેથી પરિવારજનોએ નાના બાળક આવી વસ્તુઓથી ન રમે તેની તકેદારી રાખવી જોઈએ. ખાસ કરીને સૂતા-સૂતા બાળકને ક્યારેય કાંઈ ખવડાવવું જોઈએ નહીં.

(10:01 pm IST)