Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ઇન્ટરનેટના યુગમાં પણ આવું?!...ઝેર પી ગયેલા જીવરાજને હોસ્પિટલને બદલે ધાર્મિક સ્થાને લઇ જવાયો...જિંદગી ખતમ

ચોટીલાના ગુંદા ગામે ૨૮ વર્ર્ષિય કોળી યુવાને પરમ દિવસે ઝેર પી લેતાં મંદિરે લઇ જવાયો'તોઃ સારૂ થઇ ગયું, વાતો કરી...ને આજે સવારે મોત થયું : જીવરાજે પોતે કંઇ નથી પીધું...પોતાને કંઇ નહિ થાય...એવું રટણ ચાલુ રાખતાં કુટુંબીજનો મુંજવણમાં મુકાયા'તાઃ છતાં સારું થઇ જશે એવી આસ્થાથી ધાર્મિક સ્થાને લઇ ગયા'તા : મૃતકના ભાઇ દિનશભાઇ કહે છે-જીવરાજ એવું કહેતો હતો કે મેં દવા પીધી જ નથી, છતાં મોઢામાંથી ગંધ આવતાં અમે મઢે લઇ ગયા...ત્યાં વધુ પાણી પીવડાવવા કહેવાયું અને અમે તેમ કર્યુ...પણ આજે સવારે હાલત બગડી ગઇ, જો પહેલા જ અમે દવાખાને લઇ ગયા હોત તો કદાચ ભાઇ જીવરાજનો જીવ બચી ગયો હોત...!!

યુવાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ રાઠોડ પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૫: 'હોય શ્રધ્ધાનો વિષય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી'....આ વાત સાથે લગભગ બધા સહમત હોય છે. પરંતુ અંધશ્રધ્ધાની વાત આવે ત્યારે વાત જુદી જ બની જતી હોય છે. ઇન્ટરનેટના યુગમાં પણ અમુક  ઘટના એવી બને જે સોૈને વિચારતા કરી મુકે છે. ચોટીલાના ગુંદા ગામમાં એક ઘટના બની છે. જેમાં ૨૮ વર્ષનો કોળી પરિવારનો યુવાન પરમ દિવસે સોમવારે સાંજે વાડીએ ઝેરી દવા પી ગયો હતો, પરિવારજનો તેને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાને બદલે નજીકના ધાર્મિક સ્થાનકેે લઇ ગયા હતાં. ત્યાં એકાદ કલાક રખાયો હતો. ત્યાં હાજર વ્યકિતએ ખુબ પાણી પીવડાવો સારું થઇ જશે...તેમ કહેતાં તેના કહેવા મુજબ પરિવારજનોએ કર્યુ હતું. યુવાને પોતે પણ કંઇ પીધું ન હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું...પણ તેના મોઢામાંથી દવાની ગંધ આવી રહી હતી. ધાર્મિક સ્થાને લઇ જવાયા બાદ સારુ પણ થઇ ગયું હતું, તે વાતો કરવા માંડ્યો હતો...ગઇકાલે પણ સારું રહ્યું હતું. પણ છેલ્લે એટલે કે આજે વેહલી સવારે તેની તબિયત અચાનક બગડતાં તેને રાજકોટ હોસ્પિટલે ખસેડાયો હતો, પરંતુ ત્યારે ખુબ મોડુ થઇ ગયું હતું.  જુવાનજોધ દિકરાના મોતથી સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

ઘટનાની જાણવા મળેલી માહિતી મુજબ ગુંદા ગામે રહેતો જીવરાજ બચુભાઇ રાઠોડ (ઉ.૨૮) નામનો કોળી યુવાન ગઇકાલે સાંજે પાંચ-સાડા પાંચે વાડીએથી એકાએક ગાયબ થઇ જતાં સ્વજનોએ આકુળ વ્યાકુળ થઇ તેની શોધખોળ આદરી હતી. તે વાડીના શેઢે નદીના પટમાંથી મળી આવ્યો હતો. તેણે ઝેરી દવા પી લીધાની શંકા ઉપજતાં તેને પુછ્યું હતું. પરંતુ તે કંઇ નથી પીધું એવું રટણ કરી રહ્યો હતો. પરિવારજનોએ મોઢુ સુંઘતા દવા પીધી હોઇ તેવી વાસ આવી હતી. આમ છતાં જીવરાજે પોતાને કંઇ નથી, સારું થઇ જશે, કંઇ પીધું જ નથી...તેવી વાતો કરી હતી.

પરંતુ તેને દવા પીધાનું જણાતાં સ્વજનો એ વખતે ચિંતાને કારણે ભાન ભુલ્યા હોય કે પછી કંઇપણ હોય જીવરાજને દવાખાને લઇ જવાને બદલે નજીકના ધાર્મિક સ્થાને લઇ ગયા હતાં. જીવરાજનભાઇ મોટા ભાઇ દિનેશભાઇના કહેવા મુજબ ત્યાં તેને એકાદ કલાક રખાયો હતો અને ત્યાં હાજર વ્યકિતએ  'આને ખુબ પાણી પીવડાવો...ઉલ્ટીઓ થઇ જશે એટલે સારું થઇ જશે' તેમ જણાવતાં અમે એમ કર્યુ હતું. એ પછી જીવરાજે પણ પોતે સંપુર્ણ સ્વસ્થ હોય એ રીતે વાતો કરી હતી. બાદમાં અમે તેને ઘરે લઇ આવ્યા હતાં અને ઘરે પણ ખુબ પાણી પીવડાવી તરબુચ ખવડાવ્યું હતું. તેણે થોડી ઉલ્ટીઓ પણ કરી હતી. ગઇકાલે મંગળવારે પણ જીવરાજે પોતે સ્વસ્થ હોય તેવું જ વર્તન કરતાં અમને એમ હતું કે તેને સારું થઇ ગયું છે.

જો કે આજે વહેલી સવારે જીવરાજની તબિયત બગડી જતાં અમે તેને તુરત જ રાજકોટ સારવાર માટે લાવવાનું નક્કી કર્યુ હતું. પહેલા કુવાડવા રોડની ખાનગી હોસ્પિટલે લઇ ગયા હતાં, પરંતુ ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં લઇ જવા કહેવાયું હતું. અહિ ડોકટરે જીવરાજમાં જીવ નહિ રહ્યાનું કહ્યું હતું.

જીવરાજે ઝેર શા માટે પીધું તે અંગે સ્વજનો કારણ જાણતા નથી. તે પાંચ ભાઇ અને પાંચ બહેનમાં આઠમો હતો. તેના લગ્ન રેખા નામની યુવતિ સાથે થયા હતાં.   જુવાનજોધ જીવરાજના મોતથી  માતા રતનબેન, પિતા બચુભાઇ, પત્નિ, ભાઇઓ સહિતના સ્વજનો શોકમાં ગરક થઇ ગયા છે.

સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે ચોટીલા પોલીસને જાણ કરી હતી.  ગુંદા ગામની આ ઘટનાએ ચોટીલા પંથકમાં ચકચાર જગાવી છે. આજના યુગમાં પણ અંધશ્રધ્ધાને પોષતી ઘટનાઓ બને તે ગંભીર બાબત ગણી શકાય.

(11:29 am IST)