Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ગારીયાધાર જનસેવા કેન્દ્રમાં લોકોને સુવિધાને બદલે દુવિધાનો અનુભવઃ લોકો પરેશાન

અધિકારીઓ પાસે આવતા લોકોનાં પ્રશ્નને ઉકેલવાને બદલે ઉડાઉ જવાબો મળે છે

ગારીયાધાર તા. ૧પ :.. ગારીયાધાર મામલતદાર કચેરી હેઠળ આવતી જન સેવા કેન્દ્રની કામગીરી અને કેન્દ્રના અધિકારી દ્વારા આપવામાં આવતી હાલાકીથી સમગ્ર તાલુકાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને પ્રજાજનો માટે આ કેન્દ્ર દુવિધા આપતું કેન્દ્ર બન્યું છે.

આ કેન્દ્ર પણ આવતા અરજદારો ક્રિમીનલ, નોન ક્રિમીનલ દાખલાઓ, આવકના દાખલાઓ અને જાતિના દાખલાઓ સંબંધીત કામગીરી માટે આવતા લોકો સાથે કેન્દ્રના અધિકારી દ્વારા સરકારના પરિપત્રો વિરૂધ્ધ ડોકયુમેન્ટો માંગવામાં આવે છે.

સોગંદનામું કરીને આવતા અરજદારોને કેન્દ્રો પર મોટે મોટેથી ત્રણ-ત્રણ વખત 'ખોટુ કરૂ તો ભગવાન પુછે' જેવી બુમો પડાવવામાં આવે છે.

ધમધખતા તાપમાં આવતા અરજદારોને સવારથી સાંજ સુધી વગર કામે મોડુ કરીને હેરાન કરવામાં આવે છે.

આ કેન્દ્રના અધિકારી દ્વારા વિદ્યાર્થી પાસેથી જેટલી સ્કુલો છોડવામાં આવી છે તેટલી સ્કુલોના આચાર્યના શાળા છોડયાના પ્રમાણપત્રો પણ ડોકયુમેન્ટ તરીકે મગાવવામાં આવે છે જે બાબતે આ અધિકારીની ફરીયાદો અનેક વખત કરવા છતાં કોઇપણ અધિકારી સમસ્યાના નિવારણ માટે કોઇ પગલા કે કાર્યવાહી કરવામાં આવતી નથી.

જયારે કચેરીના કેટલાક કર્મચારી દ્વારા જણાવાયું હતું કે જનસેવા કેન્દ્રના અધિકારીને પોતાની બદલી કરાવવા માટે લોકોને હેરાન કરાય છે. આવી કામગીરીથી પ્રશ્નો ઉભા થાય અને કેન્દ્રના અધિકારીની બદલી થાય છે. આવી હેરાનગતી રહેવા છતાં નેતાઓ દ્વારા પણ આવા લોકો સામે આંખ આડા કાન કરવામાં આવતા હોવાથી લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે.

આવા અધિકારીઓ સામે જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઇ સખ્ત પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યું છે.

(11:25 am IST)