Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

એનએમએમએસ મેરીટમાં જીલ્લા ફર્સ્ટ છાત્રા સરકારની સ્કોલરશિપની વંચિત?

સરકાર પ્રોત્સાહિત કરે છે કે, વિદ્યાર્થીઓની મશ્કરી? : રાજય પરિક્ષા બોર્ડનો ગળે ન ઉતરે એવો ખુલાસો!! ગ્રામિણ બેંકમાં ખાતુ હોય તો સ્કોલરશિપ જમા ન થાય?

ભાણવડ તા. ૧પ :.. શિક્ષણ સુધારા માટેની સરકારની નીતિ કઇ હદે બોદી છે તેનો પુરાવો ભાણવડની એક શિષ્યવૃતિની હકદાર બાળા છે જેને શૈક્ષણીક વર્ષ ર૦૧૬-૧૭ ની શિષ્યવૃતિ આજ સુધી મળી શકેલ નથી...!!

ભાણવડની સરકારી તાલુકા શાળા નં. ર (બ્રાંચ શાળા)ની વિદ્યાર્થીની પ્રેરણા વિજયભાઇ સોનગરાએ ધો. ૯ માં અભ્યાસ દરમ્યાન વર્ષ ર૦૧૬-૧૭ માં ખંભાળીયા કેન્દ્રમાં બેઠક નં. ર૦૦૮૦૦ પરથી નેશનલ મિન્સ કમ મેરીટ (એનએમએમએસ)ની પરીક્ષા આપી હતી અને ૧૮૦ માંથી ૧૪૪ ગુણ પ્રાપ્ત કરી સમગ્ર દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સ્કોલરશીપ મેળવવા હકદાર બની હતી. એક બાજુ સરકાર શિક્ષણના સ્તર અને ગુણવતા સુધારા માટે પ્રતિબધ્ધ હોવાની જાહેરાતોના તાયફાઓ કરે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, હકદાર ઉમેદવાર માટે એવી અટપટી અને જટીલ તેમજ થકવી નાખનારી પ્રક્રિયાઓમાંથી પસાર થવા લાચાર બનાવે છે. અહીં પણ કંઇક આવુ જ બન્યુ છે અને ભારત સરકાર તરફથી મળવા પાત્ર શિષ્યવૃતિની રકમ ડી. બી. ટી. હેઠળ સીધી જ વિદ્યાર્થીના ખાતામાં જમા કરવામાં આવતી હોય છે પરંતુ પ્રેરણા સોનગરાના ખાતામાં આ રકમ કેટલાય સમય બાદ પણ જમા ન થતાં રાજય પરીક્ષા બોર્ડ સચિવ-ગાંધીનગરને લેખીત રજૂઆત કરવામાં આવતા તેમના તરફથી જે પ્રત્યુતર  વાળવામાં આવ્યો તેમાં શિષ્યવૃતિ જમા કરાવી દેવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યુ અને જે ખાતામાં શિષ્યવૃતિ જમા કરવામાં આવેલ તે ખાતા નંબરની વિગત પણ આપેલ જે અંગે છાત્રા પ્રેરણાએ તપાસ કરતા એ બેંક ખાતુ તો અન્ય કોઇનું બીજા તાલુકાનું હતું...!

પ્રેરણા સોનગરાએ આ અંગે ફરી પત્ર વ્યવહારથી રાજય પરીક્ષા બોર્ડ સચિવને જાણ કરતા તેઓએ પ્રત્યુતરમાં એવુ જણાવેલ કે, શિષ્યવૃતિ મેળવવાની પ્રેરણાની બેંક ખાતાની વિગતો ગ્રામિણ બેંકની હોવાથી શિષ્યવૃતિ જમાં થયેલ ના થઇ હોય તેવુ બની શકે!! ત્યારે અહીં સવાલ એ છે કે, શિષ્યવૃતિ પ્રેરણાના ખાતામાં માત્ર ગ્રામિણ બેંકમાં ખાતુ હોવાને કારણે જ જમાં ન થઇ શકી. હોવાનું કારણ હોય તો રાજય પરીક્ષા બોર્ડ સચિવે પહેલા એવું કેમ કહ્યું કે, શિષ્યવૃતિ પ્રેરણાના ખાતામાં જમાં કરાવી દેવામાં આવી છે!! બીજો સવાલ એ પણ છે કે, શું ગ્રામિણ બેંક આરબીઆઇ સંલગ્ન બેંક નથી! તેમજ રાજય પરીક્ષા બોર્ડે આ અંગે તેમના પરિપત્રમાં ખુલાસો કરવામાં આવેલો છે કે,ગ્રામિણ બેંકમાં ખાતુ હશે તો શિષ્યવૃતિ જમાં નહિ થઇ શકે? ખેર, હાલ તો પ્રેરણા સોનગરાએ એસબીઆઇમાં ખાતુ ખોલાવી ખાતાની વિગત રાજય પરીક્ષા બોર્ડ અને સંલગ્ન તમામને પહોંચતી કરી દીધેલ છે ત્યારે હવે જોવાનું રહ્યું કે, પ્રેરણાની શિષ્યવૃતિ મળે છે કે કેમ, જો કે, પ્રેરણાની વાલીઓએ જો હવે આ શિષ્યવૃતિની રકમમાં ઢીલાશ દાખવામાં આવશે તો કાયદાકિય કાર્યવાહીનો આશરો લેવાની ચીમકી ઉચ્ચારી છે.ઉલ્લેખનિય છે કે, પ્રેરણા એક વર્ષ માટે જ શિષ્યવૃતિને હકદાર બની છે એના માટે પણ સરકારની દોગલી નિતિ જવાબદાર છે વિગત એવી છે કે, સરકાર આ શિષ્યવૃતિ ચાર વર્ષ આપવાનુ જણાવે છે જે માટે શિષ્યવૃતિને હકદાર વિદ્યાર્થીએ સરકારી સ્કુલમાં અભ્યાસ કરવો ફરજીયાત છે પરંતુ અભ્યાસમાં એકદમ   તેજસ્વી એવી પ્રેરણાએ એસએસીમાં સાયન્સ વિભાગ પસંદ કર્યો અને ભાણવડની એકપણ સરકારી સ્કૂલમાં સાયન્સ ફેકલ્ટી છે જ નહિ ! જેથી ફરજીયાતપણે પ્રેરણાએ ખાનગી સ્કૂલનો સહારો લેવો પડયો ત્યારે સરકાર નિયમો બનાવે છે, પરંતુ પોતાના ઘડેલા નિયમો મુજબની સવલતો સરકાર કયારે પૂરી પાડશે ? ભાણવડની સરકારી સ્કૂલમાં સાયન્સ ફેકલ્ટીની સુવિધા ન હોવાને કારણે પ્રેરણા સોનગરાએ ખાનગી સ્કૂલમાં એડમીશન લેવું પડયું અને સરકારની મળવાપાત્ર શિષ્યવૃતિથી વંચિત રહેવાનો વારો આવ્યો ત્યારે આ મામલે પણ સરકારે પુનઃ વિચાર કરવા જેવો તો ખરો જ.

(11:24 am IST)