Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ખેડૂતો આનંદો, આ વરસે ચોમાસુ ૧૨ થી ૧૬ આની!

જેતલસરના આરબટીંબડી ખાતે વર્ષો થયા લાલ-કાળી સોટીથી જોવાતો રામબાણ વરસાદી વર્તારો : મામા-ભાણેજ લાલ કાળી સોટી લઇને ઉભા રહે છેઃ લાલ સોટી બેવડી વળે તો સારૂ-કાળી સોટી વળે તો નબળું ચોમાસુઃ રામનવમીના પાવન દિવસે યોજાતા આવા વરસાદી વર્તારાની ભાવિકોમાં ભારે આસ્થાઃ સેંકડો ભાવિકો ઉમટી પડયા

જેતલસર તા.૧૫: જેતલસર પંથકના આરબટીંબડી ગામે વરસો થયા શ્રી રામનવમીના પાવન દિવસે, શ્રીરામચંદ્રજીની આરતી બાદ રામબાણ ચોમાસુ-વરસાદી વરતારો જોવામાં આવે છે. ગામના સાધુ -બાવાજી પરિવારના સ્વ. શાંતિદાસ માધવદાસ નિમાવતે આઝાદી વર્ષ પૂર્વે આવા વરસાદી વરતારાની શરૂઆત કરાવી હતી જે આજેય અવિરત ચાલુ છે. નવતર પ્રકારે ભારે આસ્થા સાથે ચોમાસુ-વરસાદી વર્તારાને જોવા માટે અહિં ગામના ભાણેજ અને બહારગામના મામાને શ્રી રામજી મંદિર ચોક ખાતે જ લાલ સોટી અને કાળી સોટી સાથે ઉભા રાખવામાં આવે છે.

આ સમયે જયશ્રી રામના નારા ગૂંજી ઉઠે છે. ગ્રામજનો ઉપરાંત આજુબાજુના જેતપુર તાલુકાના જેતલસર, ડેડરવા, રૂપાવટી, બાવાપીપળીયા, ભાડગામ, નવી-જુની સાંકળી, અકાળા,પીપળવા, જેતલસર જંકશન તેમજ અન્ય શહેરો અને ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. આ વરસે આરબટીંબડીના ભાણેજ મિહિર પંકજ રાબડિયા અને તેમના મામા રમેશભાઇ મેઘજીભાઇ ભુવા (લુણાગરા) ને શાસ્ત્રોકત વિધિ વચ્ચે લાલ અને કાળી સોટી સાથે ઉભા રખાયા હતા.

આ સમયે જયશ્રી રામના નારા ગુંજી ઉઠે છે. ગ્રામજનો ઉપરાંત આજુબાજુના જેતપુર, તાલુકાના જેતલસર, ડેડરવા, રૂપાવટી, બાવાપીપળીયા, ભાડગામ, નવી-જુની સાંકળી, અકાળા, પીપળવા, જેતલસર જંકશન તેમજ અન્ય શહેરો અને ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. આ વરસે આરબ ટીંબડીના ભાણેજ મિહીર પંકજ રાબડીયા અને તેમના મામા રમેશભાઇ મેઘજીભાઇ ભુવા (લુણાગરા)ને શાસ્ત્રોકત વિધિ વચ્ચે લાલ અને કાળી સોટી સાથે ઉભા રખાયા હતા.

સ્થાનિકોની વર્ષો જુની આસ્થા પ્રમાણે જો કાળી સોટી આપમેળે બેવડી વળી ૩ વખત વચ્ચેથી સ્તંભસમી સોટીને અડકે તો નબળુ વર્ષ (દુષ્કાળ) અને લાલ સોટી વળે તો ૧૬ આની વર્ષ થવાની માન્યતા સેવાતી આવે છે. શ્રીરામના જયનાદ સાથે આ વરસે લાલ સોટી ૩ વખત મરડાઇને વચ્ચેની સોટીને સ્પર્શતા ઉપસ્થિત ભાવિકોની મેદનીએ આનંદ સાથે શ્રી રામના જયઘોષ સાથે આ વાતને વધાવી લઇને ૧૨ કે ૧૬ આની વર્ષની ધારણાને સ્વિકારી આનંદ વ્યકત કર્યો હતો. આ તકે રામબાણ કાર્યક્રમના આયોજક જય અંબે ગરબી મંડળના પ્રમુખ ગોવિંદભાઇ ગેવરીયા અને નિલેશભાઇ સભાયાએ જણાવ્યું હતું કે વરસો થયા આરબટીંબડીમાં આવા યોજાતા રામબાણ કાર્યક્રમને ધ્યાને લઇને ગામનું નામ રામટીંબડી કરવાની માંગો કરાતી આવે છે. પણ આ વાત કોઇ સાંભળતું નથી.

(4:00 pm IST)