Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ઇટાલિયન મધમાખી સાથેનું આઇસર ટ્રક પાછળ અથડાતા ચાલક અને બે મજુરને ઇજા

સાતહનુમાન પાસે બનાવઃ સુરેન્દ્રનગરના ખોડુ ગામેથી મધમાખીઓને ગડુ લઇ જતી વખતે બનાવઃ માખીઓ કેબીનમાં ઘુસી

રાજકોટ તા.૧પ : કુવાડવા રોડ સાત હનુમાન મંદિર પાસે ઇટાલીયન મધમાખી સાથેનું આઇસર ટ્રક રોડ સાંઇડમાંં ઉભેલા ટ્રક પાછળ અથડાતા બે મજુર સહિત ત્રણ વ્યકિતને ઇજા થઇ હતી.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર પાસે રોડની સાઇડમાં ઉભેલા ટ્રકની પાછળ જીજે૧૩ એટી ર૮૮૪ નંબરનું આઇસર મેટાડોર ધડાકા સાથે અથડાતા તેમાં બેઠેલા આઇસર ચાલક ભરત ભુપત રાજપુતે સામાન્ય ઇજા થઇ હતી જયારે બે મજુર અશોકભાઇ યાદવ અને મંજીતભાઇ યાદવને પગ તથા માથાના ભાગે ઇજા થતા ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા બાદ બંને  મજુરને વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે. બનાવ બનતા કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ હમીરભાઇ સબાડ તથા રાઇટર કિશનભાઇએ તપાસ આદરી હતી. પોલીસની પ્રાથમીક તપાસમાં સુરેન્દ્રનગરના ખોડુ ગામમાં આવેલા મધમાખી ઉછેર કેન્દ્રમાંથી  ઇટાલીયન મધમાખી સાથેના મોટાબોક્ષ આઇસરમાં ભરીને સોમનાથના ગડુ ગામે લઇ જતા હતા. અને સાતહનુમાન મંદિર પાસે અકસ્માત થતા મધમાખીઓ કેબીનમાં ઘુસી ગઇ હતી બાદ પોલીસે અન્ય મજુરને ડીસાથી બોલાવી તેણે તમામ મધમાખી એકઠી કરી બોક્ષમાં રાખી હતી આ બનાવ અંગે પોલીસે મધમાખી ઉછેર કેન્દ્રના સંચાલક ડીસાના વરૂણભાઇ યોગેશભાઇ પટેલની ફરીયાદ પરથી આઇસર ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

(12:11 pm IST)