Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

રાણપરમાંથી ખનીજ ચોરીની બિનવારસું સામગ્રી ઝડપી પાડતું ભૂસ્તર વિભાગ

ખનીજ માફિયાઓને 'ચુંટણી લક્ષી' મોકળુ મેદાન : બે ચકરડી-એક મશીન સહિત રૂા. ર લાખનો મુદ્દામાલ ઝડપી ભાણવડ પોલીસ સ્ટેશનને કબ્જો સોંપાયો

ભાણવડ તા. ૧પઃ તાલુકાના રાણપર ગામેથી ભૂસ્તર વિભાગ ખનીજ ખાતાએ આજે વહેલી સવારથી જ દરોડા પાડવાનું શરૂ કરેલ હતું પરંતુ ખનીજ માફિયાઓને કોણ જાણે કયાંથી આની ભનક લાગી જતી હોય છે કે, દરોડા સમયે એકપણ ખનીજ માફિયા હાથ લાગતા નથી ત્યારે આજે પણ આવું જ બન્યું હતું રાણપર વિસ્તારમાં રોયલ્ટી ઇન્સ. ભવદિપ જે. ડોડીયા તેમજ ટીમે વહેલી સવારથી દરોડા શરૂ કરી કુલ બે ચકરડી અને એક મશીન બિન વારસુ કબ્જે લીધા હતા જો કે, અગાઉથી ભનક લાગી જતા ખનીજ માફિયાઓ ફરાર થઇ ગયા હતા અને ખનીજ ઉત્ખનની ઉપરોકત સામગ્રી જ હાથી લાગી હતી.

આ મશીનરીનો કબ્જો લઇ હાલ ભાણવડ પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે અને કુલ કેટલું ખનીજ ઉત્ખનન કરવામાં આવેલ છે તેની ગણતરીની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જાણવા મળ્યા મુજબ આ દરોડા દરમ્યાન સ્થાનિક કે જીલ્લાની પોલીસને જાણ કરવામાં આવેલ ન હતી. ત્યારે ટુંકા ગાળામાં જ બીજી વખત ખનીજ ચોરી કે તેની મશીનરી ઝડપાતા ચર્ચા જાગી છે.

(11:47 am IST)