Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ગાંધીધામ મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્રના લાંચિયા કોમ્પ્યુટર ઓપરેટરને ૪ વર્ષની જેલ,૨૦હજારનો દંડ

(ભુજ)લાંચ રૂશ્વતની વધતી જતી બદી સામે ગાંધીધામ કોર્ટે ૪ વર્ષની જેલ અને ૨૦ હજાર નો દંડ ફટકારતા આપેલા ધાક બેસાડતા ચુકાદા થી કચ્છના સરકારી કર્મચારી વર્તુળ માં સન્નાટો છવાઈ ગયો છે. ગાંધીધામ શહેરની મામલતદાર કચેરીમાં ઈ-ધરા કેન્દ્રમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા તત્કાલીન મહિલા કર્મચારીને સાંકળતા લાંચ પ્રકરણમાં ગાંધીધામના બીજા અધિક સેશન્સ જજ આર. જી. દેવધરાએ સમગ્ર કેસની હકીકતને ધ્યાને લઈને ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે.

* કાયદેસરના કામ માટે લાંચ માંગતા સરકારી કર્મચારીઓ સાવધાન...

આ કેસની હકીકત મુજબ આરોપી ડિમ્પલબેન શાંતિલાલ ઠક્કર (રહે. લીલાશા સર્કલ પાસે, વોર્ડ ૧ર-સી, ગાંધીધામ) વાળા ગાંધીધામ મામલતદાર કચેરીમાં ઈ-ધરા કેન્દ્રમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા. ફરિયાદી હરજીભાઈ કરશનભાઈ વાણિયા (રહે. શિણાય, ગાંધીધામ) વાળાએ એસીબીમાં એવી ફરિયાદ આપેલ કે, તા. ૧૦-૪-૧૧ના રોજ તેમના જ ગામના સામજી હડિયા તેમના ભાઈ દેવજી હડિયાના નામની વારસાઈ નોંધ કરાવવા બાબતની અરજી સોંગધનામાની સાથે ઈ-ધરા ગાંધીધામમાં આપી રેકર્ડમાં નોંધ કરાવવા મને આપેલ જે અરજી મેં નાયબ મામલતદારને આપતા દસ દિવસ બાદ કોમ્પ્યુટર ઓપરેટર ડિમ્પલબેનને મળી કાચી નોંધની નકલ લઈ જવા જણાવેલ હતું. તા. ૧પ-૬-૧૧ના ફરિયાદીના કુટુંબી હીરજીભાઈ વાલજીભાઈ વાણિયા તેમજ તેમના ભાઈ પ્રેમજી વાલજી વાણિયાના નામે આવેલ જમીન પોતાના ખાતે જ ચડાવવા પ્રેમજી વાલજી વાણિયાની અરજી ચૂંટણીકાર્ડની નકલ સાથે સોંપેલ જે અરજી લઈ તા. ૧૬-૬-૧૧ના ગાંધીધામ મામલતદાર કચેરીમાં ગયેલ તે સમય નાયબ મામલતદારે પાંચ દિવસ બાદ કાચી નોંધની નકલ કોમ્પ્યુટર ઓપરેટર ડિમ્પલબેન પાસેથી લઈ જવા જણાવેલ. બન્ને અરજી સંદર્ભે કાચી નોંધોના ઉતારાના નકલ લેવા માટે તા. રર-૬-૧૧ના ફરિયાદી ગયેલ તે સમયે ઈ-ધરાના કોમ્પ્યુટર ઓપરેટરે એક નોંધના પ૦૦ રૂ. લેખે બન્ને અરજીના એક હજાર રૂપિયા આપવા જણાવી કાચી નોંધ લઈ જવા કહ્યું હતું. જે બાદ ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા છટકું ગોઠવાયા બાદ તા. ર૩-૬-૧૧ના આરોપી ડિમ્પલબેન લાંચની રકમ લેતા આબાદ ઝડપાઈ ગયા હતા અને એસીબીની કલમ ૭, ૧ર, ૧૩ (૧) (ધ), ૧૩ (ર) તળેનો ગુનો કરેલ હોઈ ચાર્જશીટ રજૂ કરતા જે બાદ આ કેસ એડિશ્નલ સેશન્સ સમક્ષ ચાલી જતા આરોપી ડિમ્પલબેન શાંતિલાલ ઠક્કર વિરૂદ્ધ કેસ સાબિત થયેલ હોઈ એસીબીની કલમ ૭માં બે વર્ષની સજા અને રૂ. પ હજારનો દંડ અને દંડ ન ભરે તો છ માસની સાદી કેદની સજા જ્યારે એસીબીની કલમ ૧ર માં બે વર્ષની સજા રૂ. પાંચ હજારનો દંડ અને દંડ ન ભરે તો છ માસની કેદની સજા, કલમ ૧૩ (૧) (ધ) સાથે ૧૩ (ર) માં ચાર વર્ષની સજા રૂ. ૧૦ હજારનો દંડ અને દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદની સજા. આમ કુલ્લ ચાર વર્ષ કેદની સજા અને રૂ. ર૦ હજારનો દંડનો ગાંધીધામ એડિ. સેશન્સ જજ આર. જી. દેવધરાએ ધાક બેસાડતો ચુકાદો સંભળાવેલ છે. સરકાર તરફે ધારાશાસ્ત્રી કુ. હિતેષી પી. ગઢવી હાજર રહ્યા હતા.

(5:00 pm IST)