Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

જૂનાગઢમાં પરિણીતા ઉપર બળાત્કાર ગુજારનાર કેટરર ભોલા સોલંકીની રાજકોટ ખાતેથી ધરપકડ

પીએસઆઇ વાઘેલાએ ગણતરીના જ કલાકોમાં દબોચી લીધો

 જૂનાગઢ તા. ૧૪ : જૂનાગઢમાં અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી પરિણીતા ઉપર બળાત્કાર ગુજારનાર પોરબંદરના નરાધમ ભોલા સોલંકીની પોલીસે રાજકોટ ખાતેથી ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

જૂનાગઢમાં હાલ એક વર્ષથી પિયરમાં રિસામણે આવેલી ૨૪ વર્ષીય એક પરિણીતા કેટરસમાં કામ કરતી હતી. ત્યારે જૂનાગઢમાં કેટરર્સના એક ઓર્ડર દરમિયાન ડ્રેસ બદલાવતી હતી ત્યારે કાથરોટાની મીના મનસુખ ચૌહાણે પરિણીતાના અશ્લીલ ફોટા પાડી જે તસ્વીરો સાથે કામ કરતા જોશીપરાનો નરેશ ચુડાસમા અને પોરબંદરનો મયુર ઉર્ફે ભોલા પ્રવિણ સોલંકી (ચુડાસમા)ને આપી દેતા બંને શખ્સોએ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપીને પરિણીતાને બ્લેકમેઇલ કરી હતી.

બાદમાં ભોલા સોલંકીએ જૂનાગઢમાં ખલીલપુર રોડ સ્થિત ખોડલધામ એપાર્ટમેન્ટના બ્લોક નં. ૫૦૫માં પરિણીતા ઉપર દુષ્કર્મ આચરીને ધમકી આપી હતી. જેના કારણે પરિણીતાને ગર્ભ રહી જતાં તેણીએ બાળકને જન્મ આપેલ.

તાજેતરમાં નવજાત બાળકને પરિણીતાએ ત્યજી દેતા ભવનાથ પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી પરંતુ આ પરિણીતાએ પોતાની વિતકકથા પોલીસને જણાવી હતી.

ગત તા. ૧૨ માર્ચની રાત્રે પરિણીતાની ફરીયાદ લઇ મીના અને નરેશ વિરૂધ્ધ મદદગારી અને ભોલા સોલંકી સામે દુષ્કર્મનો ગુનો નોંધીને બી-ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરતા એસીએસટી સેલના ડીવાયએસપી શ્રી રત્નુએ તપાસ હાથ ધરી હતી.

દરમિયાનમાં ગઇકાલે જૂનાગઢ બી-ડીવીઝના પી.એસ.આઇ. ડી.કે.વાઘેલા તથા સ્ટાફના વિરમભાઇ પાતર અને નિતીનભાઇ વગેરેએ દુષ્કર્મી મયુર ઉર્ફે ભોલા સોલંકીની રાજકોટના આજીડેમ પોલીસ મથક હેઠળના ખોડીયારનગરના સરકારી કવાર્ટર પાસેથી ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.

ડીવાયએસપી શ્રી રત્નુએ ભોલા સોલંકીની વિધિવત ધરપકડ કરી આગળની કાર્યવાહી - તપાસ હાથ ધરી છે. (તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(3:44 pm IST)