Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ભાવનગરમાં આગામી લોકસભાની ચુંટણી અંગે ઉમેદવારની પસંદગી પ્રક્રિયાઃ આવતી કાલે શિહોર ખાતે પ્રદેશ નિરીક્ષકશ્રીઓ અપેક્ષિત કાર્યકર્તા ઓને સાંભળશે

ભાવનગર તા.૧૪: આગામી લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની તમામ લોકસભા સીટ પર ઉમેદવારો પસંદ કરવાની લોકશાહી પ્રક્રિયાનો આરંભ કરવામાં આવેલ છે જે અંતર્ગત ભાવનગર લોકસભા સીટ માટે ઉમેદવાર પસંદગી માટે પ્રદેશ ભા.જ.પા. દ્વારા નિયુકત ત્રણ નિરીક્ષકશ્રીઓ શ્રી મુળુભાઈ બેરા (પૂર્વ મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રી),શ્રી મહેશભાઈ કસવાલા ( સંગઠન પ્રભારીશ્રી, ભાવનગર), શ્રી ભાનુબેન બાબરીયા (પૂર્વ ધારાસભ્યશ્રી), તાઃ ૧૫માં માર્ચના રોજ શિહોર ખાતે જ્ઞાનગંગા હાઈસ્કૂલ, પ્લોટ નં.૧, વેલનાથ સોસાયટી, રાજકોટ રોડ ખાતે વહેલી સવારથી જ આવી પહોંચશે અને સવારે ૯/૩૦ વાગ્યાથી ભાવનગર શહેર, જિલ્લા અને બોટાના અપેક્ષિત કાર્યકર્તાઓને વિધાનસભા સહ વારાફરતી સાંભળશે જેમાં શિહોર શહેર/ગ્રામ્ય સવારે ૯/૩૦ કલાકે તળાજા શહેર/ગ્રામ્ય સવારે ૧૦/૩૦ કલાકે ઘોઘા તાલુકો સવારે ૧૧/૦૦ કલાકે ભાવનગર તાલુકો બપોરે ૧૨/૦૦ કલાકે વલભીપુર શહેર/ગ્રામ્ય બપોરે ૧૨/૩૦ કલાકે, ઉમરાળા તાલુકો બપોરે ૧/૦૦ કલાકે, પાલીતાણા શહેર/ગ્રામ્ય બપોરે ૧/૩૦ કલાકે, બોટાદ અને ગઢડા શહેર/ગ્રામ્ય બપોરે ૨/૩૦ કલાકે, ભાવનગર મહાનગર પૂર્વ અને પશ્યિમ વિધાનસભા બપોરે ૩/૦૦ કલાકે.

 આમ તમામ વિધાનસભાના અપેક્ષિત કાર્યકર્તાઓને નિરીક્ષકશ્રીઓ શિહોર ખાતે ૧૫મી માર્ચના રોજ વહેલી સવારે ૯/૩૦ થી સાંજના મોડે સુધી સાંભળશે. પ્રદેશ દ્વારા નિયુકત નિરીક્ષકોશ્રી મુળુંભાઈ બેરા, શ્રી મહેશભાઈ કસવાલા અને ભાનુબેન બાબરીયા દ્વારા ભાવનગર લોકસભા સીટ માટે કાર્યકર્તાઓની લાગણી અને સેન્સને આગામી ૧૮મી માર્ચને સોમવારના રોજ ગાંધીનગર ખાતે યોજાનાર પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં રજુ કરવામાં આવશે અને પાર્લામેન્ટરી બોર્ડમાં શહેર જિલ્લાના પક્ષના અપેક્ષિત પદાધિકારીઓ સાથે બૃહદ ચિંતન, ચર્ચા, વિચારણા અને સંકલન કરી ઉપર રજૂ કરવામાં આવશે આમ સંપૂર્ણ પ્રક્રિયા લોકશાહી ઢબે પૂર્ણ કરવામાં આવશે.

ઉપરોકત કાર્યક્રમમાં પ્રદેશ ભા.જ.પા. દ્વારા સૂચિત કરાયેલ અપેક્ષિત કાર્યકર્તાઓને શિહોર મુકામે નિર્ધારિત અને સૂચના અનુસાર સમયે સમયસર ઉપસ્થિત રહેવા શહેર અધ્યક્ષશ્રી સનતભાઈ મોદી, જિલ્લા અધ્યક્ષશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા અને બોટાદ અધ્યક્ષશ્રી સુરેશભાઈ ગોધાણી દ્વારા અનુરોધ કરાયો છે.(૨૨.૪)

(11:23 am IST)