Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ગિરનાર શિવરાત્રી કુંભ મેળા માટેની તૈયારીઓ શરૂ, લેસર શો, પેઇન્ટીંગ સહિતનાં આકર્ષણ રહેશે

યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી આવશે

જૂનાગઢ તા.૧૧: ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ દાદાનાં સાનિધ્યમાં દર વર્ષે યોજાતો મહા શિવરાત્રીનો મહામેળો આ વર્ષે ગિરનાર શિવરાત્રી કુંભમેળાનાં સ્વરૂપમાં યોજાશે જેનાં ભવ્ય આયોજન માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ગિરનાર શિવરાત્રી કુંભમેળાનાં આયોજન અંગે ગઇકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં અધ્યક્ષસ્થાને તેમનાં બંગલા ખાતે મહત્વની મીટીંગ મળી હતી.

આ મીટીંંગમાં રાજ્યનાં વરિષ્ઠ અધિકારીઓ મંત્રી વિભાવરીબેન દવે તેમજ મહામંડલેશ્વર ભારતીબાપુ, વરિષ્ઠ સંત શેરનાથ બાપુ, કલેકટર ડો. સૌરભ પારધી, કમિશ્નર પ્રકાશ સોલંકી, મેયર આદ્યશકિતબેન મજમુદાર, ડે. મેયર ગિરીશભાઇ કોટેચા, સ્ટેન્ડીંગ ચેરમેન નિલેશભાઇ ધૂલેશીયા, ભાજપ પાર્ટીના શશીકાંતભાઇ ભીમાની વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

બે કલાક ચાલેલી આ મીટીંગમાં થયેલી ચર્ચા -વિચારણા અંગે માહિતી આપતા ડે. મેયર ગિરીશભાઇ કોટેચાએ જણાવેલ કે, ૨૭ ફેબ્રુઆરીથી ૪ માર્ચ દરમ્યાન ગિરનાર શિવરાત્રી કુંભમેળો યોજાશે જેનાં આયોજન અંગે વિચાર વિમર્શ કરવામાં આવેલ.

બેઠકમાં મુખ્યમંત્રી શ્રી રૂપાણી સમક્ષ કલેકટર ડો. સૌરભ પારધીએ પ્રેઝન્ટેશન રજુ કરેલ. આ કુંભમેળો ચાલુ વર્ષે સામાજિક સમરસતાની થીમ સાથે ઉજવાશે.

શ્રી કોટેચાએ જણાવેલ કે કુંભમેળાનું આકર્ષણ વધે તે માટે મેળામાં ગિરનાર પર્વતની દિવાલ પર લેસર શો ગોઠવવામાં આવશે. તેમજ સંતોની ધર્મસભાનું પણ આયોજન કરાશે.

ઉપરાંત જૂનાગઢ શહેર અને ભવનાથ તળેટીથી વિવિધ સુશોભનથી સુશોભિત કરવાની સાથે અન્ય શહેરોનાં ચિત્રકારોની મદદથી શહેરની દિવાલો પર પેઇન્ટીંગ પણ કરવામાં આવશે.

ડે. મેયર શ્રી ગિરીશ કોટેચાએ જણાવેલ કે, મીની કુંભમેળા માટે વરિષ્ઠ સાધુ-સંતો ઉપરાંત શંકરાચાર્યજીને આમંત્રણ પાઠવવામાં આવશે.

મોરારીબાપુ પણ તેમની રામ કથા પૂર્ણ કરીને મેળામાં હાજરી આપશે.

શ્રી કોટેચાએ જણાવેલ કે મીનીકુંભ મેળાનાં સફળ આયોજન માટે મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ ગાઇડલાઇન આપી હતી. તે મુજબ દામોદર કુંડ સહિતની સઘન સફાઇ ઝુંબેશ નદી નાળાની સફાઇ, સ્વચ્છતા અભિયાન, મેરેથોન દોડ, વિગેરે યોજાશે.

આગામી એપ્રિલ-મે માસમાં ગિરનાર રોપ-વે પણ શરૂ થનાર હોય આમ મીનીકુંભ મેળાનાં આયોજનથી જૂનાગઢનાં વિકાસની ગતિ વધુ તેજ બનશે તેમ જણાવીને શ્રી કોટેચાએ ઉમેર્યું હતું કે, ગિરનાર શિવરાત્રી કુંભમેળા પ્રસંગે મુખ્યમંત્રી શ્રી રૂપાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સાથે સાથે ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવશે.

બહારથી આવનારા સંતોનાં નિવાસ, મુસાફરીની સગવડ સરકાર દ્વારા કરાશે.

(4:08 pm IST)