Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

મોરબી : એટીવીટી-૧૫ ટકા વિવેકાધીન યોજનામાં વધુ ગ્રાન્ટ ફાળવવા પ્રભારી મંત્રીને રજૂઆત

મોરબી તા. ૧૧ : તાલુકાના ગામોની સંખ્યા ૧૦૦ થી પણ વધુ હોય ત્યારે સરકારની ગ્રાન્ટ ફાળવણી હુકમ મુજબ ૧.૫૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. જેથી મોરબી તાલુકામાં પણ નિયમ મુજબ ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માંગ કરી છે.

મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા અને તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયાએ જીલ્લાના પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી જીલ્લો નવો બનતા મોરબી તાલુકામાં નવી ગ્રામ પંચાયતો આવી છે અને હાલ મોરબી તાલુકાના ગામોની સંખ્યા ૧૦૦ થી વધુ છે. સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવણીના હુકમ અન્વયે ૫૧ થી ૧૦૦ ગામ ધરાવતા તાલુકામાં ૧.૨૫ કરોડની ગ્રાન્ટ અને ૧૦૦ થી વધુ ગામ ધરાવતા તાલુકામાં ૧.૫૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.

મોરબી તાલુકામાં ગ્રામ પંચાયતની સંખ્યા ૧૦૩ થઇ છે જેથી નિયમ મુજબ ૧.૫૦ કરોડ ગ્રાન્ટ એટીવીટી યોજના અને ૧૫ ટકા વિવેકાધીન યોજના હેઠળ ફાળવવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

એનએસએસ કેમ્પમાં  નિદાન કેમ્પ યોજાયો

પટેલ મહિલા કોલેજ મોરબીના એનએસએસ કેમ્પનું આયોજન ટંકારાના વીરપર ગામ ખાતે કરવામાં આવ્યો હતો. જેના ઉદ્ઘાટન સમારોહમાં સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના કુલપતિ ડો. નીલામ્બરીબેન દવે ઉપસ્થિત રહ્યા હતા.

પટેલ મહિલા કોલેજના એનએસએસ કેમ્પમાં ગત મંગળવારે નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇન્ડિયન મેડીકલ એસો મોરબીના ડોકટરોએ નિશુલ્ક સેવાઓ આપી હતી કેમ્પમાં ડો. જે એલ દેલવાડીયા, ડો. જયદીપ પટેલ, ડો. સુકાલીન પટેલ, ડો. કૃપા પટેલ, ડો. ફાલ્ગુન ધોરીયાણી, ડો. કલ્પેશ રંગપરીયા, ડો. અલ્પેશ ફેફર સહિતના નિષ્ણાંત ડોકટરોએ દર્દીઓને તપાસી નિદાન કર્યું હતું તેમજ નિશુલ્ક કેમ્પમાં શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા નિશુલ્ક દવાઓ આપવામાં આવી હતી કેમ્પનો કુલ ૨૮૦ દર્દીઓએ લાભ લીધો હતો કેમ્પને સફળ બનાવવા કોલેજના પ્રિન્સીપાલ પી કે પટેલ, ડી બી થોરિયા, પી બી વિડજા, સીમાબેન વડાલીયા અને વીરપર સ્કૂલના પ્રિન્સીપાલ ભેંસદડિયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી કેમ્પનું આયોજન પ્રોગ્રામ ઓફિસર વનીતાબેન કગથરાએ કર્યું હતું.(૨૧.૫)

(10:34 am IST)