Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

જામનગર જિલ્લાની પાંચદેવડા નાની યોજના ડેમ કેનાલોમાંથી પાણી લેવા પર પ્રતિબંધ

જામનગર તા. ૧૧ : ચાલુ સાલે વરસાદ ઓછો હોવાથી જામનગર જિલ્લામાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું પાણી ઓછુ મળવા સંભાવના છે. જેથી જિલ્લામાં આવેલ સ્થાનિક સોર્સમાં પાણીનો જથ્થો સમગ્ર વર્ષની જરૂરીયાતના પ્રમાણમાં ઓછો છે અને દિન પ્રતિદિન ઓછો થતો જાય છે, તેમજ આવનારા આગામી દિવસોમાં પાણીની અછત અનુભવાશે, જેથી સંભવિત સ્થિતિને પહોંચી વળવા પૂર્વ આયોજન કરવા આવશ્યક જણાય છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી રાજેન્દ્ર સરવૈયાએ તેમને મળેલ સત્તાની રૂએ જામનગર જિલ્લામાં આવેલ પાંચદેવડા નાની સિંચાઇ યોજના ડેમ જળાશય તથા તેની આજુબાજુનો એક કિ.મી.નો વિસ્તારમાં આવેલ જળાશયોમાંથી કે તેની પસાર થતી કેનાલોમાંથી કોઇ વ્યકિતઓએ પંપ દ્વારા, ટેન્કર દ્વારા અગર બીજા કોઇ સાધનો દ્વારા પાણી ભરવા, ભરાવવા, લઇ જવા કે સિંચાઇ માટે ખેંચવા કે અન્ય કોઇ રીતે ઉપયોગમાં લેવા, જળાશયોમાંથી પસાર થતી પાણી માટેની પાઇપલાઇનો તથા કેનાલો સાથેચેડા કરવા કે પાઇપલાઇનો તોડવા, જળાશયની હદથી ૫૦૦મીટરની ત્રિજયામાં નવા બોર કરવા, કરાવવા, તથા નવા ડીપવેલ, સબમર્શીબલ મુકવા કે કોઇપણ રીતે પાણી ખેંચવા, જળાશય વિસ્તારના ચાલુ બોર, કુવા, ડીપવેલ, સબમર્શીબલ પંપનું પાણી કોઇપણ વ્યકિત જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જામનગરની પરવાનગી લીધા સિવાય વેંચાણ કરવા, કરાવવા પર તા. ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૯ના ૨૪=૦૦ કલાક સુધી જાહેરનામા દ્વાર પ્રતિબંધ ફરમાવ્યો છે.

જાહેરનામામાં જણાવેલ જળાશય / કેનાલમાંથી અગર તેની પાઇપલાઇનમાંથી પીવાના પાણીની મુશ્કેલી કે અન્ય કારણે ટેન્કર અગર અન્ય સાધનો દ્વારા સરકારશ્રી  / કલેકટરશ્રી / જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે કાર્યપાલક ઇજનેરશ્રી (સિંચાઇ વિભાગ) જામનગર કે સક્ષમ સત્તાધિકારી દ્વારા પાણી માટે મંજુરી અપાયેલ હોય તેવા શખ્સો, જાહેર સેવકો અને ટેન્કરો કે વાહનોને આ હુકમ લાગુ પડશે નહિં. આ જાહેરનામાના ભંગ કે ઉલ્લંધન બદલ શિક્ષાને પાત્ર થશે.(૨૧.૩)

 

(10:33 am IST)