Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

કચ્છમાં પહેલા ઢોરવાડાને મંજૂરી : ૩૧ શરતો પાળીને ગાયોને કાનમાં ટેગ લગાડવી પડશે

ભુજ તા. ૧૫ : મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજથી કચ્છમાં ઢોરવાડા શરૂ કરવાની જાહેરાત બાદ આ અંગેની મંજૂરી કયારે મળશે તે વિશે થઈ રહેલી મૂંઝવણ અને અવઢવનો અંત આવી ગયો છે. મુખ્યમંત્રીની જાહેરાત અનુસાર આજના પ્રથમ દિવસે જ કચ્છમાં પહેલાં ઢોરવાડાને કલેકટર રેમ્યા મોહને મંજૂરી આપી છે. આ વિશે વધુ વિગતો આપતાં કચ્છના અધિક કલેકટર કે.એસ.ઝાલાએ આપેલી માહિતી અનુસાર શ્રી બન્ની સર્વોદય વિકાસ ટ્રસ્ટ મુ. ઘડિયાડો તા. ભુજને ૬૩૫ પશુઓ સંખ્યા માટે ભુજ પ્રાંત અધિકારીને કરાયેલ દરખાસ્તને પગલે ઘડિયાડો ખાતે કેટલ કેમ્પ ચલાવવા જિલ્લા કલેકટર દ્વારા મંજૂરી અપાઇ છે. જેમાં શરતોને આધીન ઢોરવાડો શરૂ કરવા સંદર્ભે કાર્યવાહી પૂર્ણ થયા બાદ સ્વૈચ્છિક સંસ્થાને સબસીડીઙ્ગ મળવાપાત્ર થશે.

વધુમાં મંજૂર કરાયેલ ઢોરવાડાના તમામ પશુઓને ઇયર ટેગ લગાડવાની પ્રક્રિયા હુકમ મળ્યાની તારીખથી દિન-૭માં પૂર્ણ કરવા વગેરે સહિતની ૩૧ શરતો સાથે ઢોરવાડાની મંજૂરી આપવામાં આવી છે અને શરતોનો ભંગ થશે તો કેટલ કેમ્પને આપવામાં આવેલ મંજૂરી રદ્દ કરવામાં આવશે વગેરે બાબતો પણ સ્પષ્ટ રીતે જણાવવામાં આવી છે.

વધુ ઢોરવાડા મંજૂર કરવા સંદર્ભે અધિક કલેકટર કે.એસ.ઝાલાએ અબડાસા વિસ્તારની ત્રણ સંસ્થાઓની અરજીઓ હાલે ચકાસણી હેઠળ હોવાનું પણ જણાવ્યું હતું. દુષ્કાળ અને અછતની વર્તમાન પરિસ્થિતિમાં આગામી દિવસોમાં કચ્છમાં ઢોરવાડા શરૂ કરાતાં પશુ નિભાવની કામગીરી વધુ સારી પાર પાડી શકશે. સરકાર દ્વારા ચૂકવતી ઢોરવાડા ની સબસીડીની રકમ રજીસ્ટર્ડ સંસ્થાઓ/ટ્રસ્ટોને પશુરક્ષા માટે સહાયક બની રહેશે.(૨૧.૧૦)

(10:19 am IST)