Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

પોરબંદર સાંદીપનિમાં શારદીય નવરાત્રી અનુષ્ઠાનનો પ્રારંભ

પૂ. ભાઇશ્રીની ઉપસ્થિતિમાં ઘટ સ્થાપન વિધિઃ ભાગવત કથાઃ મેડીકલ કેમ્પ

જૂનાગઢ તા. ૧૧ :.. પોરબંદર સાંદીપનિ વિદ્યા નિકેતનમાં સંત શ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને નવરાત્રીના પ્રથમ દિવસે સવારે ૯.૩૦ વાગ્યેથી ૩૭માં શારદીય નવરાત્રી અનુષ્ઠાનનો વિધિવત પ્રારંભ થયો હતો.

અનુષ્ઠાનના પ્રારંભમાં સંત તુલસીદાસ રચિત શ્રીરામચરિતમાનસ પઠન માટે એકત્રિત થયેલા ભાઇ-બહેનોને સંબોધતા પૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ જણાવ્યું હતું કે શારદીય નવરાત્રી મહોત્સ્વનું અનુષ્ઠાન આ વર્ષે ૩૭ માં વર્ષમાં પ્રવેશ છે. ત્યારે ભગવાન શ્રીરામ અને ભગવતી અંબાના ચરણોમાં પ્રણામ નિવેદિત કરીને અનુષ્ઠાનનો પ્રારંભ કરીએ છીએ.

પૂજય ભાઇશ્રીએ સાંદીપનિ વિદ્યા નિકેતનમાં દસ દિવસ સુધી ચાલનારા નવરાત્રી મહોત્સ્વની વિગતે માહિતી આપી હતી અને બહારગામથી આવેલા મહેમાનોની સરભરા સાંદીપનિના અધ્યાપકો અને ઋષિકુમારોના સહયોગથી થઇ રહી છે ત્યારે તમે કોઇ મહેમાન નથી, પણ સાંદીપનિ તમારું ઘર છે તેમ કહી તમારા ઘરમાં તમારૃં સ્વાગત કરું છું. તેમ જણાવી આ વર્ષના અનુષ્ઠાનના મનોરથી નાઇરોબીના મહેન્દ્રભાઇ પટેલ તથા ઇન્દીરાબેન પટેલ સહિત સૌનું સ્વાગત કર્યુ હતંુ.

રામચરિત માનસના અનુષ્ઠાનને વિરામ અપાયા પછી પૂજય ભાઇશ્રીએ આજથી શરૂ થનારા ભાગવત કથાના વકતા ભાનુપુરા પીઠાધીશ્વર દિવ્યાનંદતીર્થજી મહારાજથી કથા પ્રારંભ વિશે માહિતી આપી હતી.

બપોર પછી શ્રીહરિ મંદિરમાં અનવસર હોવાથી પ્રાંતઃકાલમાં જ પૂજય ભાઇશ્રીની ઉપસ્થિતીમાં સવારે ૮.૩૦ વાગ્યે ભાગવતજીની પોથીયાત્રા નીકળી હતી. જેમાં મુખ્ય યજમાન પરિવાર શ્રી મહેન્દ્રભાઇ પટેલ જોડાયા હતાં.

ભાગવત કથાનો પ્રારંભ કરતા કથાવાંચક શંકરાચાર્ય દિવ્યાનંદતીર્થજીએ પ્રારંભમાં સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે હું વેદાન્તી સંન્યાસી છું તેથી મારી કથા વેદાન્ત આધારિત હોવાથી લુખી લાગવાનો સંભવ છે. કેમ કે, રમેશભાઇ જેવો કથામાં સંગીતાત્મક રસ તમને નહિ મળે.

પોરબંદર ત્રિવેણી તીર્થ

તેઓએ કથાના પ્રારંભમાં પોરબંદરમાં ત્રણ તત્વોનો વિનિયોગ થયાનો ઉલ્લેખ કરતાં કહયું હતું કે પોરબંદર સુદામાની કર્મભૂમિ છે, ગાંધીજીની જન્મભૂમિ છે અને ભાઇશ્રીની ધર્મભૂમિ હોવાથી ત્રિવેણી સંગમ હોવા પામ્યો છે અને જયાં ત્રિવેણી હોય ત્યાં પ્રયાગ આપોઆપ રચાતા હોય છે.

પ્રત્યેક કથાના પ્રારંભમાં મંગલાચરણ કરવાની જે પરંપરા છે તે વિશે તેઓએ જણાવ્યું કે જેનું જીવન મંગલમય હોય, તેનું જ મંગલાચરણ કરવામાં આવતું હોય છે. ધર્મની ટૂંકી વ્યાખ્યા એ છે કે આચરણ ધર્મ છે.

ભાગવતના પરીક્ષિને સાત દિવસ પછી મૃત્યુ આવશે એવી વાત છે પણ આપણે બધા જ મનુષ્યો પરીક્ષિત છીએ કારણ કે આપણે બધા મૃત્યુના આસન પર બેઠા છીએ. આપણે ચાલીને જતા હોય ત્યારે, આપણી સાથે કોઇ ચાલતું હોય કે ન ચાલતું હોય તો પણ મૃત્યુ આપણી સાથે ચાલતું રહે છે, તેથી મૃત્યુ કેવું હોવું જોઇએ એ જેને સમજાઇ જશે તેને ભાગવત સમજાઇ ગયું તેવું માનવું જોઇએ.

સ્વામીજીએ મૌલિક ઉદાહરણ આપતા કહયું હતું કે વિશ્વમાં અલગ-અલગ ભાષાઓ હોઇ શકે છે પણ દરેક મનુષ્યની બોડી લેંગ્વેજ એક જ હોય છે. તાજા જન્મેલા બાળક પાસે કોઇ ભાષા હોતી નથી, પણ બાળકની બોડી લેંગ્વેજ જોઇને માતા સમજી જશે કે તેને શું જોઇએ છે.

સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ભાનુપુરા પીઠના શંકરચાર્ય પૂજય શ્રી દિવ્યાનંદ તીર્થમહારાજજીની ભાગવત કથા અત્યંત ચિંતન સભર હોવાથી પ્રેક્ષકો આનંદિત થઇને તાળીઓ પાડી રહ્યા હતાં. ત્યારે તેમણે કથા વચ્ચે તાળીઓ પાડવાની ના કહીને કહયું હતું કે આનાથી રસપ્રવાહમાં વિધ્ન આવશે. પરમ શાંતિ એ શ્રવણની સીડી છે.

સ્વામીજીની કથાનું પ્રત્યેક વાકય ઊંડાણભર્યુ અને ચિંતનસભર હોવાથી તેમની કથાનું શ્રવણ એ કરવું તે એક લ્હાવો છે. તેવું પ્રેક્ષકોને લાગી રહ્યું છે.

કથાના પ્રારંભે અનુષ્ઠાનની સાથે જે તબીબી કેમ્પો યોજાઇ રહયા છે તેમાંના પ્રથમ કેમ્પ દંતયજ્ઞથી થયો હતો. પૂજય ભાઇશ્રીએ જાલંધરબંધ યોગ પધ્ધતિનાં દંતયજ્ઞનું ઉદ્ઘાટન કર્યુ હતું. (પ-૧૩)

(12:19 pm IST)