Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

મીઠાપુરના ૩ તેજસ્વી બાળકોએ વિવિધ હરિફાઇઓમાં ૧૦ ગોલ્ડ મેડલ મેળવ્યા-ભવ્ય સ્વાગત

મીઠાપુર, તા. ૧૧ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઔદ્યોગિક શહેર મીઠાપુરના ૩ તેજસ્વી બાળકોએ તાજેતરમાં હરિયાણા રાજયના કુરૂક્ષેત્રમાં યોજાયેલ ૧૧મા નેશનલ ઓલ સ્ટાઇલ માર્શલ આર્ટસ ચેમ્પિયનશીપમાં જુદી જુદી વિવિધ હરિફાઇઓમાં ૧૦ ગોલ્ડ મેડલ મેળવી પોતાની શાળા, પોતાની જ્ઞાતિ તેમજ જીલ્લાનું નામ રોશન કર્યું છે. આ બાળકો દ્વારકાના કોચ શ્રી ગજેન્દ્રકુમારના માર્ગદર્શન હેઠળ કાર્યરત હતા.

આ બાળકો યશ લલીતભાઇ દશાડીયાને ૪ ગોલ્ડ મેડલ, મુશ્કાન સલીમભાઇ મકરાણીને ૪ ગોલ્ડ મેડલ તથા રવિ લાલજીભાઇ પરમારને ર ગોલ્ડ મેડલ અલગ અલગ સ્પર્ધાઓ જેવી કે તાઇ કેવાન ડો. કરાટે સ્ટાઇલ, કિક બોક્ષિંગ સ્ટાઇલ તથા લાયન માર્શલ આર્ટસમાં મળ્યા હતાં.

ગત તા. ૧૦-૧૦-ર૦૧૮ના રોજ આ બાળકો જયારે પોતાના ગામ મીઠાપુરમાં ટ્રેન મારફતે પરત ફર્યા ત્યારે તેમનું ફૂલહાર કરી મીઠાઇઓ ખવડાવી અને બેન્ડ બાજા સાથે ખૂબજ જુસ્સાપૂર્વક સ્વાગત રેલ્વે સ્ટેશન પર જ કરવામાં આવ્યું. આ તકે આ સ્વાગતમાં શ્રી માધવજીભાઇ પરમાર, અશોકભાઇ શ્રીમાળી, આનંદભાઇ હરખાણી, રવિભાઇ પરમાર, દિવ્યેશભાઇ જટણીયા તેમજ આ બાળકોના માતા પિતા તથા મિત્રગણ ઉપસ્થિત રહ્યો હતો અને આ બાળકોનું સ્વાગત કરીને તેમને આશિર્વાદ પાઠવ્યા હતાં. (૮.૪)

(12:01 pm IST)