Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

રાજકોટના ૭૧ વર્ષના વૃધ્ધ દ્વારા વડાપ્રધાન સમક્ષ ફરિયાદ બાદ ભુજના ડેવલોપર્સ વિરૂધ્ધ છેતરપીંડીની તપાસ

ભુજ તા. ૧૧ : કચ્છમા વિકાસના નામે પ્લોટના વેંચાણની માસિક સ્કીમ બનાવી ઈનામની લાલચ આપી ફાયદો ઉઠાવીને લોકો સાથે છેતરપીંડી કરનારા ડેવલોપરો વિરુદ્ઘ ફરિયાદો વધતી જાય છે. કયાંક પોલીસ ની ઢીલી નીતિ ને કારણે આવી ફરિયાદો છેક ઉપર સુધી પણ પહોંચે છે.

રાજકોટના મહેશભાઈ એમ. ત્રિવેદી નામના ૭૧ વર્ષીય વૃદ્ઘ દ્વારા ભુજના શરીફ ડેવલોપર વિરુદ્ઘ વડાપ્રધાન ને ફરિયાદ કરાઇ હતી. જેના પગલે પીએમઓ મા થી તપાસના આદેશો છૂટતાં પશ્ચિમ કચ્છ એલસીબી અને મુંદરા પોલીસે હવે ભુજના શરીફ ડેવલોપર ના શરીફ મોગલ તેમ જ મહેબૂબ લોઢીયા ની વિરુદ્ઘ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. હપ્તે હપ્તે પ્લોટની લાલચ અને ઇનામો ના આકર્ષણ સાથે એજન્ટો એ બનાવેલા હજારો ગ્રાહકોના રૂપિયા ઉસેડીને ભુજના શરીફ ડેવલોપર ના સંચાલકો દુબઈ ભાગી ગયા હોવાની અફવા પણ ઘણા સમય પહેલા ચર્ચાતી હતી.

આ સિવાય અત્યારે ભુજના સૂર્યા ડેવલોપરના ફિરોઝ ખત્રી તેમજ નીરવ વ્યાસ વિરુદ્ઘ પણ ઠગાઈની ફરિયાદો છે. ભુજના ડેવલોપરોની સ્કીમનો ભોગ બનનારાઓ સૌરાષ્ટ્ર, કચ્છ, સુરત અને મુંબઈના લોકોનો સમાવેશ થાય છે. કાયદાની છટકબારીનો લાભ ઉઠાવીને ચિટ ફન્ડની કંપનીઓની જેમ છેતરપીંડી કરનારા ડેવલોપરો વિરુદ્ઘ આકરી સજાની જોગવાઈ જરૂરી છે. તો લોકોએ પણ લોભ લાલચમાં આવ્યા વગર રોકાણ કરવાની જાગૃતિ બતાવવાની જરૂરત છે.(૨૧.૧૫)

(11:59 am IST)