Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

જસદણમાં ભાજપ કુંવરજીભાઇને નહિ લડાવે? મંત્રી પદ સામે પ્રશ્નાર્થ

મંત્રીપદ ટકાવવા ૩ જાન્યુઆરી સુધીમાં ધારાસભ્ય બનવાનું અનિવાર્યઃ પાર્ટીની ઇચ્છા તેમને લોકસભા (સંભવત સુરેન્દ્રનગર) લડાવવાની વિચારણાઃ સરકારે સરકારી અને રાજકીય રાહે મેળવેલ અહેવાલ અને પેટાચૂંટણીનું પરિણામ ચોંકાવનારૂ આવતા બાવળિયાને ધારાસભાની પેટાચૂંટણી લડાવવા બાબતે ભાજપમાં ફેર વિચારણા શરૂ થયાનો નિર્દેષ

રાજકોટ, તા. ૧૧ :. જસદણના કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાએ કોંગ્રેસમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી ભાજપમાં પ્રવેશ કરતા ૩ મહિના પહેલા ભાજપ સરકારે તાબડતોબ કેબીનેટ મંત્રી પદ આપેલ. તેઓ હાલ ગૃહના સભ્ય ન હોવાથી ૬ મહિનામાં એટલે કે ૩ જાન્યુઆરી સુધીમાં ધારાસભ્ય બનવાનું ફરજીયાત છે નહિંતર નિયમ મુજબ મંત્રી પદેથી રાજીનામુ આપવુ પડે. જસદણમાં ૩ જાન્યુઆરી પહેલા વિધાનસભાની પેટાચૂંટણી કરવા પાત્ર છે. પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે કુંવરજીભાઈ જ હોવાની સ્વભાવિક માન્યતા વચ્ચે ભાજપના ટોચના વર્તુળોએ ચોંકાવનારો નિર્દેશ કર્યો છે તે મુજબ ભાજપ હાઈકમાન્ડ કુંવરજીભાઈને ધારાસભાની પેટાચૂંટણી લડાવવા બાબતે ફેરવિચારણા કરે છે. જસદણમાં જ્યારે પણ ધારાસભાની પેટાચૂંટણી થાય ત્યારે ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ ન હોય તો નવાઈ નહિ તેમ ભાજપના આધારભૂત વર્તુળો જણાવે છે. પાર્ટી તેમને કોળી નેતા તરીકે ઉપસાવવા માટે સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર લડાવવા ઈચ્છતી હોવાના વાવડ છે.

જો ભાજપ કુંવરજીભાઈને પેટાચૂંટણી ન લડાવે તો સત્તાવાર કારણ ગમે તે આપે પરંતુ બીનસત્તાવાર કારણ એકથી વધુ હોઈ શકે. ગુપ્તચર તંત્રએ કુંવરજીભાઈને લડાવવાથી ભાજપ માટે જોખમ વધવાનો અહેવાલ આપ્યાનું ચર્ચાય રહ્યુ છે. ભાજપના ખાનગી સર્વેમાં પણ આવી જ વાત સામે આવી છે. ભાજપના પ્રભારીઓની ટીમ વિંછીયાની મુલાકાતે ગઈ તે વખતે પણ ભાજપના કાર્યકરોનો આક્રોશ સામે આવ્યો હતો. બે દિવસ પહેલા કુંવરજીભાઈના વતન વિંછીયા તાલુકાની અમરાપુર બેઠકમાં તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ભાજપની ૪૪૫ મતે હાર થઈ છે. કુંવરજીભાઈની પસંદગીના ઉમેદવાર અને પ્રચારની વ્યવસ્થા તેમણે જ સંભાળી હોવા છતા પરિણામ વિપરીત આવતા ભાજપ નેતાગીરીએ તેની ગંભીર નોંધ લીધી છે. જો કુંવરજીભાઈને પેટાચૂંટણી લડાવવામાં આવે અને પરિણામ ભાજપની અપેક્ષા મુજબ ન આવે તો તેના રાજ્યવ્યાપી પડઘા પડે. કુંવરજીભાઈને પેટાચૂંટણી નહી લડાવવાની હોય તો મંત્રી પદના ૬ મહિના પુરા થતા પૂર્વે તેમનુ મંત્રી પદેથી રાજીનામુ માંગી લેવામાં આવશે.

ભાજપના સત્તાવાર વર્તુળો કુંવરજીભાઈને ચૂંટણી લડાવવા કે ન લડાવવા બાબતે હજુ મગનું નામ મરી પાડતા નથી પરંતુ ફેર વિચારણા શરૂ થયાની બાબત નકારતા પણ નથી. ભાજપ જોખમ લઈને પણ કુંવરજીભાઈને જ લડાવવા માગે છે કે ઉમેદવાર બદલવા માગે છે ? તે નજીકના ભવિષ્યમાં સ્પષ્ટ થઈ જશે. પાંચ રાજ્યોની ચૂંટણી સાથે અન્ય રાજ્યોની પેટાચૂંટણી જાહેર થઈ છે પરંતુ જસદણની પેટાચૂંટણી હજુ જાહેર થઈ નથી તે બાબત ધ્યાન ખેંચનારી છે. જસદણની પેટાચૂંટણી બાબતે ન ધાર્યુ હોય તેવુ સમીકરણ પણ સામે આવી શકે છે.(૨-૮)

(11:56 am IST)