Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

જસદણ તાલુકા પાસ સમિતિ દ્વારા શહિદોના લાભાર્થે અર્વાચીન રાસોત્સવનો પ્રારંભ

નરેશભાઇ પટેલ, પરેશભાઇ ધાનાણી, હાર્દિક પટેલ, સિદ્ધાર્થ પટેલ, વિરજીભાઇ ઠુંમર, એસ.પી. સ્વામી (ગઢડા)સહિતના ઉપસ્થિત

જસદણનાં આટકોટ ખાતે પાસ સમિતિ દ્વારા શહિદોનાં લાભાર્થે અર્વાચીન રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો પ્રથમ નોરતાએ ખોડલધામના નરેશભાઇ પટેલ, પાસ સુપ્રિમો હાર્દિક પટેલ, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, સિદ્ધાર્થ પટેલ સહિતના અગ્રણીઓએ આરતી ઉતારી પ્રારંભ કરાવ્યો હતો.(તસ્વીરઃ વિજય વસાણી, આટકોટ)

આટકોટ તા.૧૧: જસદણ તાલુકા પાસ સમિતિ દ્વારા શહિદોના લાભાર્થે આટકોટમાં અર્વાચીન રાસ -ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેનો ગઇકાલે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલ અને પાસ  સુપ્રિમો હાર્દિક પટેલ દ્વારા માતાજીની આરતી કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આટકોટ જસદણ રોડ ઉપર સરદાર ચોકડી પાસે પાસ સમિતિ દ્વારા આયોજીત આ અર્વાચીન રાસ -ગરબામાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલે સમયની અનુકુળતાને લીધે વહેલા આવી માં જગદંબાની આરતી ઉતારી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.

ત્યારબાદ પાસ સુપ્રિમો હાર્દિક પટેલ, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, સિદ્ધાર્થ પટેલ, લલિત કગથરા, વિરજીભાઇ ઠુંમર, જે.વી. કાકડીયા, પ્રતાપભાઇ દુધાત, સોમાભાઇ પટેલ, પુર્વ ધારાસભ્ય ભીખાભાઇ બાંભણીયા, વી.એમ. માંગુકીયા એડવોકેટ, ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસ.પી. સ્વામી, જિલ્લા કોંગ્રેસના હિતેશ વોરા, જિલ્લા પંચાયતના સભ્ય વિનુભાઇ ધડુક, જસદણ પાલિકાના પ્રમુખ જીજ્ઞેશ હિરપરા, ગજેન્દ્રભાઇ રામાણી, ભીખાભાઇ રોકડ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહી માં જગદંબાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.

ત્યારબાદ હાર્દિક પટેલ, પરેશ ધાનાણી સહિતના અગ્રણીઓએ ગરબે ઘુમી આનંદ માણ્યો હતો.

આ પ્રસંગે આગેવાનોએ પ્રસંગોચિત ઉદ્દબોધન કર્યુ હતું.

જસદણ પાસ સમિતિના અગ્રણી આટકોટના સુનિલ ખોખરીયાએ જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન રોજ આ કાર્યક્રમમાં અલગ-અલગ ક્ષેત્રનાં મહાનુભાવો આટકોટ પધારશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા જસદણ પાસ સમિતિનાં અગ્રણી સુનિલ ખોખરીયા આટકોટ, દિલીપ વાડોદરીયા સાણથલી, હિતેશ મોલીયા જસદણ, કલ્પેશ મોવલીયા જસદણ, લાલજી ટાઢાણી પાંચવડા, પરેશ રાંદડીયા વિરનગર સહિત તાલુકા ભરના પાસ અગ્રણીઓ જહેમત ઉઠાવી રહયા છે.

ઉલ્લેખનીય છે કે, જસદણ તાલુકામાં સર્વ પ્રથમ મોટુ અર્વાચીન ગરબાનું આયોજન થયું હોય લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે.(૧.૭)

(10:28 am IST)