Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

મોહન ભાગવતજી રાત્રે સોમનાથમાં: કાલથી RSSની રાષ્ટ્રીય કાર્યકારણી

દેશભરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારકો, પ્રાંત પ્રચારકો અને આગેવાનો જોડાશે

પ્રભાસપાટણ-વેરાવળ, તા., ૧૧: શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કાલથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની રાષ્ટ્રીય કાર્યકારણી બેઠકનો પ્રારંભ થશે. જેમાં હાજરી આપવા માટે સંઘના વડા મોહનજી ભાગવતનું આગમન આજે રાત્રીના સોમનાથ ખાતે થશે.

લોકસભાની ચુંટણી આડે હવે વધારે સમય નથી ત્યારે ગુજરાત ભણી રાષ્ટ્રીય નેતાઓની મીટ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એક દિવસના પ્રવાસે છે. અમીતભાઇ શાહ રથયાત્રામાં આવી રહયા છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયં સંઘની કાર્યકારણી આ વખતે સંઘના વડા મોહનજી ભાગવતની ઉપસ્થિતિમાં સોમનાથ સાનિધ્યે તા.૧ર થી ૧૮ જુલાઇ મળશે. આજે બુધવારે મોહન ભાગવત રાજકોટ થઇને રાત સુધીમાં સોમનાથ પહોંચી જશે.

પ્રથમ વખત જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની રાષ્ટ્રીય કાર્યકારણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરમાંથી ૩૦૦ જેટલા આરએસએસના પ્રચારકો, પ્રાંત પ્રચારકો અને રાષ્ટ્રીય કારોબારીના અગ્રણીઓ સામેલ થશે. આ માટે મોહનજી ભાગવત અને તેમની સાથે ભૈયાજી જોશી પણ આવી રહયા છે.

સોમનાથમાં સાગર કિનારે સંઘ દ્વારા સામુહીક ચિંતન બેઠક યોજવામાં આવશે. આ બેઠકને રાજકીય તજજ્ઞો ર૦૧૯ની લોકસભાની ચુંટણી સાથે જોડીને જોઇ રહયા છે પણ સંઘનું કહેવું છે કે આ કાર્યકારણીનો હેતુ હિન્દુ સમાજની એકતા અને સામાજીક સાયુજય રહેશે. સંઘની રાષ્ટ્રીય કાર્યકારણી પહેલાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારણી પણ સોમનાથ ખાતે યોજવામાં આવી હતી. તા. ૧ર થી તા.૧૮ વચ્ચે રોજ ચિંતન બેઠક થશે અને રોજ ચાર સત્રમાં આ બેઠક યોજવામાં આવશે. સંઘના વડા મોહનજી ભાગવત આજે બુધવારે સાંજે પ.૩૦ કલાકે રાજકોટ એરપોર્ટ ઉપર આવશે અને ટુંકું રોકાણ કરશે. બાદમાં કાર માર્ગે જુનાગઢ જશે અને ત્યાં સંઘના વરિષ્ઠ સેવકને ત્યાં રાત્રી ભોજન લેશે. બાદમાં સોમનાથ જવા નિકળશે અને મોડી રાત્રે સોમનાથ પહોંચશે. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સંઘની રાષ્ટ્રીય કાર્યકારણી યોજાતી હોવાથી સૌરાષ્ટ્ર-ગુજરાતના પ્રબંધકોએ તમામ વ્યવસ્થા સંભાળી લીધી છે. કાર્યકારણી સાગર દર્શન ખાતે યોજાશે જયારે સેવકોનો મુકામ મહેશ્વરી અતિથિગૃહ ખાતે રહેશે. (૪.૪)

(12:09 pm IST)