Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ભાડેર હત્યા પ્રકરણે પટેલ-દરબાર સમાજનું પ્રતિનિધિમંડળ પહોંચ્યુ ગાંધીનગરઃ બે ઝડપાયા?

પાંચ દરબાર યુવાનોના એફઆઇઆરમાં ખોટી રીતે નામ ચડાવી દીધાનો આક્ષેપઃ સીસીટીવી ફુટેજની સીડી સાથે ભુપેન્દ્રસિંહને મળશે

ધોરાજી તા.૧૧: તાલુકાના ભાડેર ગામે પટેલ જીવણભાઇ છગનભાઇ સાંગાણીની હત્યાનો મામલો ગરમાતા આજે ૮ માં દિવસે પણ પરિવારે મૃતદેહ સંભાળવાની ના પાડી દીધી છે ત્યારે આજે પટેલ અને દરબાર સમાજના બે પ્રતિનિધિ મંડળ ગાંધીનગર સુધી રજુઆત કરવા દોડી ગયા છે. તો બે આરોપીને ઝડપી લીધાની ચર્ચા એ પણ જોર પકડયું છે. પરંતુ પોલીસનાં પાડે છે.

જીવણભાઇ સાંગાણીની હત્યાના આજે ૮ માં દિવસે પણ આરોપીઓ નહિ ઝડપાતા સાંગાણી પરિવારે મૃતદેહ સંભાળવાની ના પાડી છે, તો સાંગાાણી પરિવાર વતી ધારાસભ્ય લલીતભાઇ વસોવા, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા, શહેર ભાજપ પ્રમુખ હરસુખભાઇ ટોપીયા, વી.ડી. પટેલ, રણછોડભાઇ કોપાણી, ખોડલ ધામ સમિતિના સભ્યો, કોંગ્રેસ ભાજપના આગેવાનો સાથે ગાંધીનગર ખાતે વિજયભાઇ રૂપાણી કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાને મળવા પહોંચ્યા છે.

જયારે બીજી તરફ ભાડેર ગામના દરબારી સમાજના આગેવાનો પણ ભુપેન્દ્રસિંહ ચુડાસમાને મળવા માટે ગયા છે. પાંચ દરબારો નિદોર્ષ હોવા છતાં એફઆઇઆરમાં ખોટી રીતે નામો ફીટ કરી દીધા હોવાના સણસણતા આક્ષેપ થયા છે ત્યારે આધાર પુરાવા અને સીસીટીવી ફુટેજના પુરાવાની સીડી સાથે ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રજુઆત કરનાર છે.

તો જાગૃત નાગરિકોમાં એવું પણ સંભળાઇ રહયું છે કે, નાના એવા ભાડેર ગામમાં બે બે હત્યાનો મામલો સમાજ લેવલે પહોંચી ગયો છે ત્યારે ગામમાં કાયમી શાંતિ જાળવવા કાજે હજુ સુધી તંત્ર દ્વારા કોઇ શાંતિ સમિતિની બેઠક બોલાવી સુમેળતા લાવવાનો પ્રયાસ કર્યો નથી કેમ? તેવી પણ ચર્ચા થઇ રહી છે, તો ડે. કલેકટર તુષાર જોષીએ જણાવેલ કે ત્રણ અલગ અલગ સમાજના આવેદનપત્રો રાજકોટ જિલ્લા કલેકટર શ્રીને મે મોકલી આપ્યા છે. એ નિર્ણય ત્યાંથી લેવાશે.

બે આરોપી પકડાયાની ચર્ચા, પણ પોલીસનો નનૈયો

દરમિયાન સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બે આરોપીને પોલીસે બીજા જિલ્લા માંથી અટક કર્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડયું છે, પરંતુ પાટણવાવ પોલીસ દ્વારા કોઇ સમર્થન મળતું નથી... (૧.૧૦)

(12:01 pm IST)