Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

સંરક્ષણ ક્ષેત્રે પરિક્ષાની તૈયારી માટે ટાઇમ મેનેજમેન્ટ પર ભાર મુકતા જીલ્લા કલેકટર

બોટાદ જીલ્લાના બેરોજગારોને લેખીત પરિક્ષા માટે તાલીમ વર્ગમાં અપાયું માર્ગદર્શન

બોટાદ, તા.૧૧: બોટાદ જિલ્લાના રોજગારવાંચ્છુક ઉમેદવારો સંરક્ષણ દળમાં જોડાય ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરી શકે તેવા હેતુસર રાજકોટ ખાતે યોજાયેલ આર્મી ભરતી રેલીમાં આર્મી રીક્રુટીંગ ઓફીસ દ્વારા એડમીટ કાર્ડ મેળવેલ તમામ ટ્રેડના ઉમેદવારો માટે જિલ્લા રોજગાર વિનીમય કચેરી અને જિલ્લા માહિતી કચેરીના સંયૂકત ઉપક્રમે યોજાયેલ લેખિત કસોટી પૂર્વેની તૈયારી માટે ૧૫ દિવસીય બિન નિવાસી તાલીમવર્ગનો જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમારે શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીએ ઉપસ્થિત ઉમેદવારોને સંરક્ષણ ક્ષેત્રની પરીક્ષાઓમાં સમયબધ્ધતાને મહત્વનું ગણાવતાં જણાવ્યું હતુ કે, આવી પરીક્ષાઓમાં આવતા હેતુલક્ષી પ્રશ્નો તેમજ નેગેટીવ માર્કીંગને ધ્યાને લઈ ઉમેદવારોએ અભ્યાસની સાથે ટાઈમ મેનેજમેન્ટને પણ અગત્યતા આપવી જોઈએ.

તાલીમ વર્ગ દ્વારા ઉમેદવારો વધુ સારૃં પરિણામ પ્રાપ્ત કરી શકે છે. તેમ જણાવી વધુમાં ઉમેર્યું હતુ કે, આવા તાલીમ વર્ગો દ્વારા અપાતા જ્ઞાનની સાથે સાચી દિશાના માર્ગદર્શન  યુવાનોની કારકિર્દી ઘડતરમા ઘણા ઉપયોગી બની રહી છે.

આ તકે સંરક્ષણ ક્ષેત્રની પરીક્ષાઓની તૈયારીના ભાગ રૂપે પરીક્ષાને અનુરૂપ વિવિધ પાસાઓની વિસ્તૃત છણાવટ કરી યુવાનોને માર્ગદર્શન પૂરૂ પાડયું હતુ.

આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારીશ્રી પી. કે. ત્રિવેદીએ બિન નિવાસી તાલીમવર્ગનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતુ કે, રાજકોટ ખાતે યોજાયેલ આર્મી ભરતી રેલીમાં આર્મી રીક્રુટીંગ ઓફીસ દ્વારા એડમીટ કાર્ડ મેળવેલ તમામ ટ્રેડના ઉમેદવારો માટે આગામી તા. ૨૯ મી જુલાઈના રોજ જામનગર ખાતે લેખિત કસોટી યોજાનાર છે. જેના ભાગરૂપ બોટાદ જિલ્લાના જે યુવાનોએ એડમીટ કાર્ડ મેળવેલ હોય તેવા ૨૧ જેટલા યુવાનો માટે કસોટી પૂર્વે તેમને માર્ગદર્શન મળી રહે તે માટે આ બિન નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ વર્ગમાં વિષય નિષ્ણાંતો દ્વારા તાલીમની સાથે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.

આ પ્રસંગે જિલ્લા માહિતી અધિકારીશ્રી એચ. બી. દવે, જિલ્લા રમત – ગમત અધિકારીશ્રી એન. ટી. ગોહિલ, વિષય નિષ્ણાંતો સર્વશ્રી એ. બી. ડેર તથા એન. યુ. ઠાકર તથા જિલ્લા રોજગાર કચેરીના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(11:34 am IST)