Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

તળાજા કોંગ્રેસના નગર સેવક સહીત ૬ વિરૂદ્ધ મારમારી લૂંટ ચલાવ્યાની ફરીયાદ

મારી વિરૂદ્ધ ફરીયાદ ખોટી છે, હું કોંગ્રેસની ભાવનગર સ્થિત કોર કમિટીની બેઠકમાં હતોઃ નગર સેવક હુમલાનો ભોગ બનેલ યુવાન-બીજી તરફ નગર સેવકે પોલીસ સમક્ષ કોંગ્રેસની મીટીંગમાં હોવાનો પુરાવો રજૂ કરતો ફોટો

તળાજા, તા. ૧૧ :. તળાજાના પાદરી (ભં.) ગામે રહેતા યુવાને પોતાના પર રામપરા રોડ ખાતે હુમલો કરી મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવ્યાની કોંગ્રેસના નગર સેવક સહીત ૬ શખ્સો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે. બીજી તરફ નગર સેવકે પોતે બનાવ સમયે કોંગ્રેસની કોર કમિટીની બેઠકમાં હાજર હોવાનો પુરાવો પોલીસને આપ્યો છે.

તળાજા શહેર-પંથકમાં ચકચાર મચાવતા બનાવની મળતી વિગતો અનુસાર તળાજામાં દુકાન ધરાવતા અને પાદરી (ભં.) ગામે રહેતા લાખાભાઈ વાજસુરભાઈ ભમર (ઉ.વ. ૩૨) એ સાકીર, અખ્તર અને સોયબભાઈ તથા અજાણ્યા ત્રણ મળી ૬ શખ્સોએ હુમલો કરી પાઈપ મારેલ તથા ખીસ્સામાં રહેલ બે મોબાઈલ કિં. રૂ. ૧૪૦૦૦ તથા રોકડા ૫૪૦૦ની લૂંટ ચલાવેલ.ઙ્ગ

બીજી તરફ નોંધાયેલ એફઆઈઆરમાં કોંગ્રેસના નગર સેવક સોયબભાઈ પઠાણનું નામ હોવાનું તેઓના ધ્યાનમાં આવતા તળાજા પોલીસને પોતાના વિરૂદ્ધ નોંધાયેલ ફરીયાદ ખોટી હોવાનું જણાવી બનાવના સમયે ભાવનગર સ્થિત કોંગ્રેસની કોર કમિટીની બેઠકમાં હાજર હોવાના ફોટા સાથે પુરાવાઓ રજૂ કર્યાનું જણાવ્યુ હતું.

તપાસકર્તા પો.ઈ. બી.એમ. લશ્કરી દ્વારા મારામારીના બનાવ સ્થળ નજીક સ્કૂલ આવેલી હોય ત્યાંના સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવવાની સાથે તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. ફરીયાદી પક્ષે ઉમેર્યુ હતુ કે અન્ય ત્રણ ચાર વ્યકિતઓને પણ માર મારવામાં આવ્યો હતો.

(11:27 am IST)