Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

દેલવાડા વાડી વિસ્તારના પ૦ વિદ્યાર્થીઓને સરકારની યોજના મુજબ બસ સુવિધા આપવા માંગણી

ઉના, તા. ૧૧ : દેલવાડા ગામે વાડી વિસ્તારમાંથી પ્રાથમિક શાળામાં ભણવા આવતા પ૦ થી વધુ વિદ્યાર્થીઓને સરકારની યોજના મુજબ વાહનમાં ઘરેથી લઇ શાળા મૂકવાની વ્યવસ્થા કરવા માંગણી કરવામાં આવી છે.

દેલવાડાના ઉપસરપંચ હાજી સબ્બીરશા એસ. બાનવાએ ગાંધીનગર ખાતે આવેલ સ્ટેટ પ્રોઝેકટ ડાયરેકટરશ્રીને લેખીતમાં રજૂઆત કરી છે કે ઉના તાલુકાના દેલવાડા ગામે આવેલ સરકારી પ્રાથમિક કુમાર શાળા તથા કન્ય શાળામાં દેલવાડા ગામની આજુબાજુમાં ૧ કિલો મીટર વિસ્તારના વાડી વિસ્તારમાં રહેતા લોકોના બાળકો ધો. ૧ થી પ સુધીમાં પ૦થી ૬૦ બાળકો નવાબંદર રોડ, શૈયદ રાજરા રોડ, ધોઘા રોડ વિસ્તારમાંથી ચાલીને ભણવા દેલવાડા આવે છે. હાલ આ વિસ્તારમાં બાળકો ઉપાડી જવાની અફવાએ જોર પકડયું છે તેમજ વરસતા વરસાદ અને હાઇવે રોડ ઉપર જોખમ ખેડી ભણવા આવે છે.

સરકારશ્રીની યોજના છે કે ધો. ૧થી પમાં ભણતા બાળકો શાળામાં ૧થી દોઢ કિ.મી. વિસ્તારમાં રહેતા હોય તેને સરકારને ખર્ચે વાહન તેમના ઘરેથી લઇ જઇ શાળા એ મૂકી જઇ શાળા પૂરી થયા બાદ ઘરે પરત મૂકી જવાય છે. તે વાહનની વ્યવસ્થા દેલવાડા કુમાર, કન્યા પ્રાથમિક સુવિધા કરવા બે મહિનાથી શાળા દવારા દરખાસ્ત કરાયેલ છે તો વહેલી તકે મંજુરી આપી બાળકોનું શિક્ષણ ન બગડે તથા સલામતી રહે તેવી વાલીઓ દ્વારા માંગણી કરાઇ છે.

(11:25 am IST)