Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

મગફળી મામલે સરકાર જવાબદારો સામે પગલાં ભરશે : કોઈ વ્યક્તિને છોડશે નહિ : જયેશ રાદડીયા

રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને મંત્રી જયેશ રાદડિયાએ કહ્યું હતું કે મગફળી મામલે સરકાર જવાબદારો સામે પગલાં ભરશે અને આ મામલે કોઈપણ દોષિત વ્યક્તિને છોડશે નહિ આજે જામ કંડોરણામાં રાજકોટ જિલ્લા સહકારી બેંકની 59મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં વિઠ્ઠલ રાદડીયાને ઇફકો. એમ.સી. ક્રોપ સાયન્સ એવોર્ડ આપવામાં આવ્યો હતો. વિઠ્ઠલ રાદડીયાની નાદુરસ્ત તબિયતને કારણે એવોર્ડ જયેશ રાદડિયાએ સ્વીકાર્યો હતો.

  આ પ્રસંગે પત્રકારોને સંબોધતાં જણાવ્યું હતું કે,"મગફળી મામલે સરકાર જરા પણ ખોટું થવા દેશે નહીં. સરકાર જવાબદારો સામે પગલાં ભરશે. કરોડો રૂપિયાની મગફળી અને તુવેર સહિતનાં ખેત પદાર્થો સરકારે ખેડૂત પાસેથી ખરીદ્યાં છે જેથી કોઈ પણ વ્યક્તિને છોડશે નહીં."

  બેંકનાં ચેરમેન જયેશ રાદડીયાની બેંક સાથે જોડાયેલાં ખેડૂતો માટે એક જાહેરાત કરી હતી. વર્ષ 2018-19માં કપાસનાં પાકવીમા પ્રીમિયમમાં 1.50 ટકા તથા મગફળીનાં પાક વીમા પ્રીમિયમમાં 1.00 ટકા સહાય આપવાની જાહેરાત કરી હતી. ખેતી પાકમાં ભૂંડ અને નીલગાયથી રક્ષણ મેળવવા ખેતરમાં વાયર ફેન્સિંગ કરવા બેંક લોનમાં 6.50 ટકા વ્યાજ રાહત આપશે.

   બેંક સભાસદ મંડળીઓ સાથે જોડાયેલાં ખેડૂતોને આપવામાં આવતી મેડિકલ સહાય રૂપિયા 5 હજારથી વધારીને 10 હજાર કરાઈ છે. રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘનાં ચેરમેને સાધારણ સભામાં જાહેરાત કરી હતી. આગામી દિવસોમાં રાજકોટ ડેરીમાં 'અમુલ દહીં અને પનીર'નું ઉત્પાદન કરશે તેવી પણ જાહેરાત કરાઇ હતી. એક વર્ષ દરમ્યાન રાજકોટ ડેરીનો નવી 50 જેટલી દૂધમંડળી શરૂ કરવાનો લક્ષ્‍યાંક છે.

(12:30 am IST)