Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

કિરીટ જોશી પ્રકરણ : નિર્દોષ હોવાનો જયેશ પટેલનો દાવો

સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ કરી સામે આવ્યો : જયેશ પટેલના ઇશારે જ હત્યા થઇ હોવાનો ક્રાઇમ બ્રાંચે દાવો કર્યો : પોલીસે વાયરલ વીડિયો વિશે તપાસ આરંભી

અમદાવાદ,તા. ૧૬ : જામનગરના એડવોકેટ કિરીટ જોશી હત્યા પ્રકરણમાં મુખ્ય આરોપી મનાતા ભૂમાફિયા જયેશ પટેલે સોશ્યલ મીડિયામાં જુદા જુદા વીડિયો વાયરલ કરી આ સમગ્ર પ્રકરણમાં પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો છે અને અનેક ખુલાસાઓ પણ કર્યા છે. જયેશ પટેલના વીડિયોને લઇ પોલીસે પણ હવે તે દિશામાં તપાસ આરંભી છે. જયેશ પટેલ દ્વારા વાયરલ કરાયેલા વીડિયો પૈકી એક વીડિયોમાં થયેલ વાતની એક કલીપમાં એવો ઉલ્લેખ કરાયો છે કે, કહેવામાં આવે છે કે મોટા ગજાના એડવોકેટ હતા, એમને મારા જામનગર સેસન્સ કોર્ટમાં-હાઇકોર્ટમાં, સુપ્રિમમાં જામીનો રીજેકટ કરાવી, મને જેલની હવા ખવડાવેલી, તો આ વાત તદ્ન ઉપજાવી કાઢેલ છે. જ્યારે વકીલ કોર્ટની અંદર વકીલાત કરતા હોય ત્યારે કોઇ નાના કે મોટા હોતા નથી. માત્રને માત્ર જે જજ હોય છે એ કયારેય વકીલને એવી દ્રષ્ટિથી નથી જોતા કે આ વકીલ મોટા, આ નાનો છે, તો જે મોટો વકીલ છે તેની વાત સાંભળવી અને નાના વકીલની વાત ન સાંભળવી, એવી કયારેય હોતુ નથી, માત્રને માત્ર જજ તો એ જ જુએ છે કે રજુઆતની અંદર શું-શું છે? અને એ રજુઆતની સાથે-સાથે એવીડન્સો શું છે, અને એવીડન્સોને આધારે કોર્ટ ન્યાય આપે છે. એવું કયારેય હોતુ નથી. કે નાનો કે મોટો વકીલ, એ તો માણસ પોતાની જાતને ઇગોમાં આવે, એટલુ સમજવા માટે હું મોટો થઇ ગયો પણ એકચયુલી એનુ જ માનવુ હોય, જજ કયારેય એવુ નથી માનતા, વકીલની એક માત્ર વકીલ જ ડેફીનેશન હોય છે. એટલે હું નથી માનતો કે કીરીટભાઇના કારણે મારે ત્રણ કોર્ટમાં જામીન રદ થયા. મને એવું કયાકને કયાક લાગે છે મને ફસાવી દેવામાં આવ્યો છે ખોટી રીતે કે મારે આપને એવું કેવુ છે મને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે એવી શંકા છે. શંકા નહી હકીકતમાં મને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે. આજે હત્યા થઇ છે તે હત્યા પાછળ મારો કોઇ રોલ નથી, હું કોઇ કોન્ડ્રાકટ કીલરને ઓળખતો નથી, મુંબઇથી મારા કોઇ વાયા મીડીયા ઓળખીતા એક વ્યકિતને પોલીસ લાવે છે અને પોલીસ એવુ કહે છે એમને મે ૫૦ લાખ રૂપિયાની સોપારી આપી અને એ માણસને મેં ૯૦ હજાર આપ્યા છે. ૯૦ હજાર લઇને એ માણસ જામનગર આવી એક માણસને મારી નાખે છે. હકીકતમાં, આ હત્યામાં મારી કોઈ ભૂમિકા નથી. જ્યારે અન્ય વિડીયોમાં જયેશે આ હત્યા પાછળ કિરીટ જોશીના પોતાના સંબંધો, વહિવટદારો અને સેટલમેન્ટ જવાબદાર હોય શકે એવો ઉલ્લેખ કરી જયેશે ઇવા પાર્ક વાળી ૧૦૦ કરોડની જમીનમાં પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલને પણ ચાર પ્લોટ મળ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. ટૂંકમાં, આ પ્રકરણમાં પોતે પોતાની કયાંય સંડોવણી નહી હોવાનો જયેશ પટેલે દાવો કર્યો છે. જયેશ પટેલના આ દાવા બાદ પોલીસ અને ક્રાઇમબ્રાંચ સામે પડકાર ઉભો થયો છે, કારણ કે, ક્રાઇમબ્રાંચે તેની પત્રકાર પરિષદમાં એડવોકેટ કિરીટ જોશીની હત્યા ભૂમાફિયા જયેશ પટેલના ઇશારે થઇ હોવાની જાહેરાત કરી હતી, બીજીબાજુ, જયેશ પટેલે આજે નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો, તેથી પોલીસે જયેશ પટેલની પોતાની થિયરી સાચી સાબિત કરવા માટે વધુ નક્કર પુરાવાઓ એકત્ર કરવામાં લાગી છે અને તે દિશામાં તપાસ શરૂ કરી છે.

(8:10 pm IST)