Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ચાર વર્ષ સુધી ધક્કા ખાધા પછી પણ વિજ તંત્ર દાદ નહીં દેતા ધ્રોલના વાગુદડના ખેડૂતે જીવ આપી દીધો

ધ્રોલ તા. ૧૬ :.. મોટા વાગુદડ ગામે પોતાના ઘરેથી નીકળી વાડીએ જઇને ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લેતા સમગ્ર ધ્રોલ સહિત જામનગર જીલ્લામાં આ ઘટનાથી અરેરાટી ફેલાયેલ છે.

મોટા વાગુદડના ખેડૂત મનસુખભાઇ મગનભાઇ ભુત ને સંતાનમાં બે પુત્ર એન એક પુત્રી છે. જેમાં કેતનભાઇ ઉ.ર૪ સણોસરા જીન ખાતે સરવીસ કરે છે. પુત્રી જયમીકા ઉ.ર૧ ધ્રોલ ખાતે જી. એમ. પટેલ કન્યા વિદ્યાલયમાં સર્વિસ કરે છે. તેમજ નાનો પુત્ર અંકિત ઉ.૧૯ અભ્યાસ કરે છે. મનસુખભાઇને ૧પ વિઘા જેટલી જમીન છે. અને આ રીતે તેઓ તેમનો પરિવાર સુખેથી જીવન પસાર કરી રહ્યો હતો અને આર્થીક આખું કુટુંબ પગભર છે.

મનસુખભાઇ ભુતને તેમની વાડી ખાતે વિજ કનેકશન ધરાવે છે. આ કનેકશન જી.ઇ.બી. તરફથી આપવામાં આવેલ. ત્યારથી તેમાં નામમાં ફેરફાર હોય ગ્રાહક નંબર અલગ હોય કે કોઇપણ ભુલ જીઇબીના તંત્ર તરફથી કરવામાં આવી હોય. અને આ ભુલ સુધારવા માટે મનસુખભાઇ એ છેલ્લા ચાર- ચાર વર્ષોથી અત્રેની શહેરની સ્થાનીક વીજ કચેરીએ ધકકા ખાવા છતાં પણ સામાન્ય એવી આ કામગીરી તંત્ર તરફથી કરી દેવામાં ન આવતા તેઓએ અંતે કંટાળી ને આ પગલુ ભરેલ હોવાનું જાણવા મળેલ છે.મનસુખભાઇએ આ પગલુ ભરતા ચાર પાનાની સ્યુસાઇડ નોટ લખેલ છે. તેમાં પણ તેઓએ જણાવેલ છે. મને વધારે ટેન્શન આવવાથી હુ આ પગલુ ભરૂ છું. આ બનાવ અંગે ધ્રોલ પોલીસ તરફથી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(4:25 pm IST)