Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ખંભાળીયમાં ટીબીના દર્દીઓને રોગમુકત કરવા ન્યુટ્રીશન સપોર્ટ પ્રોગ્રામ સંપન્ન

દેવભૂમિ દ્વારકા, તા. ૧૬: દ્વારા ભારતમાંથી ટીબીને ૨૦૩૫ સુધીમાં નાબુદ કરવાનો લક્ષ્યાંક આપેલ છે. જયારે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ૨૦૨૫ સુધીમાં ટીબી નાબુદીનો લક્ષ્યાંક આપેલ છે. સરકારશ્રી દ્વારા દરેક જિલ્લામાં બે તાલુકાઓને ટીબી મુકત કરવા માટે નકકી કરવામાં આવેલ છે. જેમાં દેવભૂમિ દ્વારકામાં ભાણવડ અને કલ્યાણપુર તાલુકા સૌ પ્રથમ ટીબી મુકત કરવા જણાવવામાં આવેલ છે. જેના અનુસંધાને અલગ-અલગ પ્રવૃતિઓ કરવામાં આવે છે. જે અંતર્ગત આજે ખંભાળીયા ખાતે આહિર સમાજવાડી ખાતે એસ્સાર ઓઇલ કંપની સીએસઆરના સહયોગથી જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન કીટ (ચોખા, મલ્ટીગ્રેના આટા, મુંગદાલ, ચીક પીસ ઓઇલ અને જેગ્રી) આપવા માટે ન્યુટ્રીશન સપોર્ટ પ્રોગ્રામ કલેકટરશ્રી જે.આર. ડોડીયાના અધ્યક્ષ સથાને યોજાયો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અંદાજિત ૨૯૦ દર્દીઓને એક થી આઠ માસ માટે જરૂરી કીટ અંદાજિત રૂ.૯૯૫/-ની એસ્સાર ઓઇલ કંપનીના સીસઆર દ્વારા આપવાનું નકકી થયેલ છે. જેના માટે એસ્સાર ઓઇલ કંપની દ્વારા અંદાજે રૂ.૧૬ લાખ મળેલ છે.

આ તકે કલેકટરશ્રીએ એસ્સાર ઓઇલ કંપનીનો આભાર માની જણાવયું કે આપણે જો પોલીયો મુકત ભારત બનાવી શકયા હોયે તો ટીબી મુકત કેમ ન બનાવી શકીએ. સરકારના પ્રયત્નો, એનજીઓનો સહયોગ અને લોકોની જાગૃતિથી આ શકય જ છે. ન્યુટ્રીશન સપોર્ટ મળતા દર્દીઓ સમયસર દવા લેવા પ્રેરાસે તથા દવા વધુ અસરકારક નિવડશે. તેમણે તમામ ઉપસ્થિત ટીબીના દર્દીઓને આનો વધુમાં વધુ લાભ લઇ તેનો સદઉપયોગ કરવા જણાવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાવલે જણાવ્યું કે જનસેવા એજ પ્રભુ સેવા એવું શાસ્ત્રોમાં લખ્યું છે. ડોકટર જયારે દર્દીની સંવેદના સમજશે ત્યારે જ સાચા અર્થમાં સેવા કરી શકશે. દર્દીઓ જયારે સારવાર લઇને પાછા જાય ત્યારે આશીર્વાદ આપતા જાય તેવી સારવાર કરવા જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ ધ યુનિયન, દિલ્હીના રીજયોનલ ડાયરેકટર ડો. જેમી તોન્સીંગે જણાવ્યું કે વિશ્વએ જે ટાર્ગેટ આપ્યો છે એનાથી પાંચ વર્ષ પહેલા આપણે ટીબીને નાબુદ કરીશું. સ્ટેટ ટીબી ટ્રેનીંગ સેન્ટર અમદાવાદના ડો. જીજ્ઞેશ પટેલે કહયું કે એપ્રિલ-૨૦૧૮ થી સરકારશ્રી દ્વારા ટીબીના દરેક દર્દીને રૂ.૫૦૦/- લેખે જયાં સુધી દવા ચાલુ હોય ત્યાં સુધી આપવામાં આવે છે. દ્યણા દર્દીઓએ આ સહાયનો લાભ લીધો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેવભૂમી દ્વારકા જિલ્લાને ટીબીના દર્દની તપાસ માટે સીબીનાટ વાન મળેલ હતી. જેમાં ફકત બે જ કલાકમાં ટીબી છે કે નહી અને ગંભીર પ્રકારનો ટીબી છે કે નહી તે સ્થળ પર જ નકકી થઇ જાય છે. જેમાં જિલ્લામાં ટોટલ ૩૩ વ્યકિતઓની તપાસ કરવામાં આવી અને તેમાં ૬ કેસો પોઝીટીવ આવેલ છે અને આ ૬ પૈકી ૧ ગંભીર પ્રકારનો ટીબીનો દર્દી મળેલ છે.

મહાનુભાવોના હસ્તે ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વીએચ એન્ડ વીએચ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વચ્છતા અંગેનું નાટક રજુ કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન તેમજ આભાર વિધી જિલ્લા ક્ષય અધિકારીશ્રી પીઠડીયાએ કરી હતી.

આ કાર્યક્રમમાં એસ્સાર ઓઇલમાંથી દિપક અરોરા,  અવધેશ પાઠક,   દિપેન્દ્રસીંગ પરીહાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિરી સીંગ, જનરલ હોસ્પીટલના સુપ્રીન્ટેન્ડન્ટ જોશી, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા ટીબીના દર્દીઓ ઉપસ્થિત હતા.

(11:45 am IST)