Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

નર્મદાની બોટાદ શાખા નહેરની ૧૦ કિ.મી. કેનાલની સફાઇ

બોટાદ તા. ૧૬ : સૌરાષ્ટ્ર શાખા નહેર સુરેન્દ્રનગર પાસે આવેલ ધોળી ધજા ડેમ (સુરેન્દ્રનગર પાસેના  વઢવાણ ભોગાવો-૨) માં તેની સાંકળ ૧૦૪.૪૬ કી.મી. લંબાઈએ અંતિત થાય છે. ધોળી ધજા જળાશયમાંથી બોટાદ શાખા નહેર નીકળે છે અને ઉમરાળા તાલુકાના રામણકા ગામે અંતિત થાય છે.

બોટાદ શાખા નહેરની અગ્રભાગની વહન ક્ષમતા ૭૦.૭૦ ઘનમીટર / સેકન્ડ અને બોટાદ શાખા નહેરનો કુલ પિયત વિસ્તાર ૭૮૯૫૬ હેકટર છે. બોટાદ શાખા નહેર બોટાદ જિલ્લાના રાણપુર, બરવાળા, બોટાદ, ગઢડા, તેમજ ભાવનગર જીલ્લાના ઉમરાળા તાલુકામાંથી ૫સાર થાય છે.

બોટાદ શાખા નહેરથી બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાનાં ૪ ગામ, બરવાળા તાલુકાના ૧૦ ગામ, બોટાદ તાલુકાનાં ૧૫ ગામ, તથા ગઢડા તાલુકાનાં ૫ ગામ આમ કુલ ૩૪ ગામોના ૨૨૧૨૫ હેકટર વિસ્તારને પિયતનો લાભ મળે છે.

બોટાદ શાખા નહેરના બાંધકામની કામગીરી પુર્ણ થયેલ છે જયારે તેમની ડિસ્ટ્રીબ્યુટરી તથા માઇનોરની કામગીરી મહદઅંશે પુર્ણ થયેલ હોય તેમજ પાણી વહેવડાવવામાં આવેલ છે. હાલમાં અન્ડર ગ્રાઉન્ડ પાઇપલાઇન (યુજીપીએલ) ની કામગીરી પ્રગતિમાં છે.

આ કેનાલમાં અગાઉના વર્ષો દરમ્યાન વહેવડાવવામાં આવેલ પાણીથી કેનાલમાં કાપ, જાળી, ડાખરા, કચરો, મરેલ પશુઓ વિગેરે ભરાયેલ હોય, તેમજ ખડ, જાળી જાખરા ઉગેલ હોય, જેના કારણે કેનાલ ચોકઅપ થઈ નુકશાન થવાની ભીતિ રહેતી હોય તેમજ કેનાલ તુંટવાની સંભાવના પણ રહેતી હોય, જેને ધ્યાને લઈ સૌરાષ્ટ્ર શાખા નહેર વિભાગ દ્વારા સુજલામ – સુફલામ જળ અભિયાન અન્વયે બોટાદ જિલ્લામાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં જે જે જગ્યાએ સફાઈની જરૂરત હોય તેવી ૧૦કિમી. કેનાલ તથા ૯ કેનાલ સાયફનની સફાઈ કામગીરી ઝુંબેશ એમ. એન્ડ આર. હેઠળ હાથ ધરવામાં આવી છે, જે અન્વયે હાથ ધરવામાં આવેલ કેનાલની સફાઈ કામગીરી તેમજ કેનાલ લેન્ડ વિથ કલીયરન્સ કામગીરી પૈકી કેનાલ સફાઈ કામગીરી પુર્ણ થયેલ છે. તેમજ કેનાલ સાયફન ૯ પૈકી ૮ ની કામગીરી પણ ચોમાસા પુર્વે પુર્ણ કરવામાં આવેલ છે. તેમજ ૧ કેનાલ સાયફન કલીનિંગની કામગીરી હાલ પ્રગતિમાં છે. તેમ કાર્યપાલક ઈજનેરશ્રી, સૌરાષ્ટ્ર શાખા નહેર વિભાગ નં. ૩/૧, બોટાદની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

(11:34 am IST)