Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

વિસાવદરમાં પિતા પરના પોલીસ દમનથી આપઘાત કરી લેનાર યુવતિનો મૃતદેહ સ્વીકારવા ઇન્કાર

જૂનાગઢ સિવિલ અને વિસાવદરમાં ચૂસ્ત બંદોબસ્ત

 જુનાગઢ, તા. ૧૬ : વિસાવદરમાં પિતા પરના પોલીસ દમનથી આપઘાત કરી લેનાર યુવતિનો મૃતદેહ સ્વીકારવા મૃતકના પરિવારજનોએ ઇન્કાર કરી દેતા તંત્ર મુંઝવણમાં મૂકાય ગયું છે.

બીજી તરફ જુનાગઢ સીવિલ અને વિસાવદરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે.

વિસાવદરના બસ સ્ટેન્ડ ચોકમાં ગઇકાલે પી.એસ.આઇ. પરમારે રજાક આદમ મોદી (ઘાંચી)નું છોટા હાથી વાહન ડિટેઇન કરેલ અને રજાકભાઇને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતાં.

જયાં રજાક મોદીને પોલીસે ઢોરમાર મારતા પુત્રી આશિયાના (ઉ.વ.૧૯) દોડી આવી હતી અને તેણી તેના પિતાને છોડાવવા વચ્ચે પડતા તેણે પણ મહિલા પોલીસે માર માર્યો હતો.

આ પોલીસ દમનથી આશિયાનાએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આમ તેને પણ વિસાવદર ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જૂનાગઢ સીવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. જયાં તેનું મૃત્યુ નિપજયું હતું.

મૃતક યુવતિએ મરણોન્મુખ નિવેદનમાં પોલીસ દમનની હકીકત જણાવી હતી.

દરમ્યાન યુવતિના પિતા રજાકભાઇ મોદીએ પી.એસ.આઇ. પરમાર અને આર.કે. સાનીયા વગેરે પોલીસ કર્મી સામે માર માર્યાની અને પોલીસ દમનથી પુત્રી આશિયાનાએ પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં ઝેરી દવા પીધી હોવાની રજૂઆત કરી હતી.

જે સંદર્ભે પોલીસે જાણવાજોગ નોંધ કરી હતી. જેની તપાસ સીપીઆઇ ડી.પી. સોલંકી ચલાવી રહ્યા છે.

બીજી તરફ પોલીસ દમનથી આત્મહત્યા કરી લેનાર આશિયાનાનો મૃતદેહ સ્વીકારવા તેઓ પરિવારજનોએ ઇન્કાર કર્યો હતો. આથી લાશને સીવિલના કોલ્ડ રૂમમાં રાખી દેવામાં આવેલ.

પુત્રીનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી જવાબદાર પોલીસ સ્ટાફ સામે કડક કાર્યવાહીની માંગણી કરેલ હતી.

આ બનાવથી વિસાવદરમાં કોઇ અઘટીત ઘટના બને નહિ અને કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે એસ.પી. નિલેશ જાજડીયાની સુચનાથી જૂનાગઢ, બીલખા, મેંદરડા, વંથલી સહિતનો પોલીસ સ્ટાફ તેમજ તમામ બ્રાંચના કાફલાનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

આશિયાનાના મૃતદેહને સ્વીકારવા તેનો પરિવાર તૈયાર નહિ થતાં પોલીસ મુંઝવણમાં મૂકાઇ ગઇ છે અને રજાકભાઇ મોદી વગેરેને સમજાવવાનો મામલો થાળે પાડવાના પ્રયાસ ચાલી રહ્યા છે, પરંતુ સવારે આ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે.

પોલીસ દમનનો ભોગ બનેલા રજાકભાઇ મોદી (ઘાંચી) ડ્રાઇવર એ અને ત્રણ જેટલા પેસેન્જરો વાહનો ધરાવે છે અને ડ્રાઇવીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. (૮.૯)

(11:20 am IST)