Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

મોરબીમાં ૨.૨૫ કરોડના ખર્ચે અદ્યતન આંખની હોસ્પિટલને મંજૂરી

મોરબી તા. ૧૬ : મોરબી સરકારી આંખની હોસ્પિટલ ખાતે આંખના નિષ્ણાંત સર્જન તરીકે છેલ્લા ૩૪ વર્ષથી નિસ્વાર્થ ભાવે સેવા આપનાર અને સમગ્ર ગુજરાત રાજયમાં સૌથી વધુ મોતિયાના સફળ ઓપરેશન કરનાર ડો.વી.સી.કાતરીયાની સેવાઓ મોરબી શહેરની જનતા ને વધુ સમય માટે સરળતાથી મળી રહે તે માટે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાએ પ્રયત્નો કર્યા હતા. અંતે સરકારે મોરબી શહેરમાં સરકારી આંખની હોસ્પિટલનું આધુનીક બિલ્ડીંગ બનાવવા માટે રૂ.૨.૨૫ કરોડ જેટલી રકમ મંજૂર કરેલ છે. મોરબીમાં ૧૫૦ બેડની અદ્યતન આંખની હોસ્પિટલ બનાવવા માટે સરકારે રૂ.૨.૨૫ કરોડ ગ્રાન્ટ ફાળવતા ડો.ભાડેશિયા, અનીલભાઈ મહેતા, ચંદ્રકાંતભાઈ આશર, જયોત્ત્િ।સિંહ જાડેજા, હિરેનભાઈ પારેખ, પ્રદીપભાઈ વાળા, લાખાભાઈ જારીયા, ઠાકરશીભાઈ પટેલ સિમ્પોલો ગ્રુપ, ડી.કે. પટેલ, ડો.નવીનભાઈ પારેખ ,ચાર્ટડ એકાઉન્ટન્ટ પંડિતભાઈ વગેરેએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. આ નવી સરકારી આંખની હોસ્પિટલનું બાંધકામ ઝનાના હોસ્પિટલના આગળના ભાગમાં રોડ સાઈડ આવેલ ખુલ્લી જગ્યા પર કરી જાહેર જનતાને અપર્ણ કરવામાં આવશે.

પરશુરામ જયંતિ  નિમિતે શોભાયાત્રા

 પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા તા. ૧૮ ને બુધવારના રોજ અખાત્રીજાના દિવસે પરશુરામ જન્મોત્સવની ઉજવણી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે જે શોભાયાત્રા બપોરે ૪ કલાકે વાઘપરા ખાતેના ગાયત્રી મંત્રીથી પ્રસ્થાન થશે અને શહેરના મુખ્યમાર્ગો પર ફરીને નવલખી રોડ પર આવેલા પરશુરામ ધામ ખાતે પૂર્ણ કરવામાં આવશે જયાં સાંજે મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે તેમજ રાત્રીના રાસ રમઝટનું પણ આયોજન કરાયું છે પરશુરામ જયંતી મહોત્સવમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ જોડાવવા માટે સંસ્થાના પ્રમુખ અમિતભાઈ પંડ્યા અને મહામંત્રી ચિંતનભાઈ રાજયગુરુએ નિમંત્રણ પાઠવ્યું છે.

સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ તરીકે બ્રિજેશ મેરજાની નિમણુક

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા વરાયેલા પ્રમુખ અમિતભાઈ ચાવડાએ પ્રદેશ કોંગ્રેસ માળખાને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે ગુજરાતના સાત ઝોનમાં સંગઠન કામગીરી માટે વિવિધ આગેવાનોની નિમણુક કરવામાં આવી છે

જે પૈકીના સૌરાષ્ટ્ર ઝોનના ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ અને અમરેલી ઝોનના ઇન્ચાર્જ તરીકે મોરબીના ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી બ્રિજેશભાઈ મેરજા, પ્રદેશ ઉપપ્રમુખ ભીખુભાઈ વારોતરીયા અને પ્રદેશ મંત્રી ધરમભાઇ કાંબલિયાને સંગઠનની મહત્વની જવાબદારી સોપી તેની કાબેલિયતની કદર કરી છે.(૨૧.૧૬)

(1:08 pm IST)