Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

જામનગરનું પંડ્યા દંપતિ ખંડિતઃ માતાનું કરૂણ મૃત્યુ

વાંકાનેરના ગારીડા પાસે ઇકો કાર પલ્ટી ખાઇ જતાં બે મોતઃ ત્રણને ઇજાઃ રણજીતનગરની ચાંદનીબેન ભાવેશ પંડ્યા (ઉ.૨૭)નું ઘટના સ્થળે અને કાર ચાલક અજાણ્યા યુવાનનું રાજકોટમાં મોતઃ ચાંદનીના પતિ, ૮ માસના પુત્ર સહિત ત્રણને ઇજાઃ તારાપુરથી જામનગર જતી વખતે બનાવ

રાજકોટ તા. ૧૬: વાંકાનેરના ગારીડા ગામ પાસે સવારે ઇકો કાર પલ્ટી ખાઇ જતાં બે વ્યકિતના મોત થયા છે. જામનગર રહેતાં બ્રાહ્મણ દંપતિએ તારાપુર ખાતે ચાની હોટલ શરૂ કરી હોઇ તે બંધ કરી સામાન લઇ ઇકો કાર ભાડે કરી આજે પરત જામનગર જતાં હતાં ત્યારે ગારીડા પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં બ્રાહ્મણ પરિણીતાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કારના બે ડ્રાઇવર, બ્રાહ્મણ યુવાન અને તેના પુત્રને ઇજા થતાં રાજકોટ ખસેડાયા હતાં. જેમાં એક ડ્રાઇવરે પણ દમ તોડી દેતાં મૃત્યુંઆંક બે થયો હતો.

જાણવા મળ્યા મુજબ જામનગરના રણજીતનગર હુડકોમાં રહેતાં ભાવેશભાઇ શશીકાંતભાઇ પંડ્યા (ઉ.૨૯)એ તારાપુર ખાતે ચાની હોટલ શરૂ કરી હોઇ તે અને તેની પત્નિ ચાંદનીબેન (ઉ.૨૭) તથા ૮ માસનો પુત્ર કેટલાક સમયથી તારાપુર રહેતાં હતાં.

આ હોટેલ બંધ થતાં આજે પતિ-પત્નિ અને પુત્ર થોડો ઘણો સામાન ભરી પરત જામનગર જઇ રહ્યા હતાં. આ માટે તેણે ઇકો કાર ભાડે કરી હોઇ તેમાં બે ડ્રાઇવર સાથે આવ્યા હતાં.

કાર સવારે વાંકાનેરના ગારીડા પાસે પહોંચી ત્યારે કોઇ કારણોસર ચાલકે કાબૂ ગુમાવતાં પલ્ટી ખાઇ જતાં ચાંદનીબેન ભાવેશ પંડ્યાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે તેના પતિ ભાવેશભાઇ પંડ્યા, તથા તેના પુત્ર અને કારના બે ડ્રાઇવરને રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ એક ડ્રાઇવરે દમ તોડી દીધો હતો. જ્યારે ભાવેશભાઇ, તેના પુત્ર અને એક ડ્રાઇવરને દાખલ કરાયા છે. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ વાંકાનેર પોલીસને જાણ કરી હતી. (૧૪.૧૧)

(12:59 pm IST)