Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

બંધારણ થકી ડો.બાબાસાહેબ આંબેડકરે સમગ્ર દેશને એકતા આપી છે : સૌરભ પટેલ

અમદાવાદ - ભાવનગર - સુરતની વિમાની સેવા શરૂ કરાશે : ડો.ભારતીબેન શિયાળ ભાવનગર જીલ્લાના વળાવડથી ગ્રામ સ્વરાજ અભિયાનનો પ્રારંભ

ભાવનગર તા. ૧૬ : છેવાડાના ગામડામાં વસતા લોકોના ઉત્કર્ષ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીથી શરૂ કરવામાં આવેલ ગ્રામ સ્વરાજ અભિયાનનો અહી શિંહોર તાલુકાના વળાવડ ગામથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. એક પખવાડીયાના આ અભિયાનના માધ્યમથી ગ્રામજનોએ સરકારની પ્રજા કલ્યાણલક્ષી વિવિધ યોજનાથી લાભાન્વિત કરવામાં આવશે. વળાવડ ખાતે ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલે મહામાનવ ડો.આંબેડકરને પુષ્પાંજલી આપી આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.

આ તકે ભારતરત્ન ડો.આંબેડકરને સ્મરણાંજલી આપતા ઉર્જામંત્રી શ્રી પટેલે જણાવ્યું કે તેમણે ભારતનું બંધારણ ઘડીને સમગ્ર દેશને એક સુત્રતા, એક તાંતણે બાંધ્યો છે. પોતાની અદભૂત જ્ઞાનશકિતથી તે વખતે બંધારણ ઘડવાનું કપરૂ કાર્ય સુપેરે પાર પાડયું હતુ.

સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળે એક મહત્વપુર્ણ માહિતી આપતા જણાવ્યુ કે આગામી તા. ૧૬ થી કેન્દ્ર સરકારની ઉડાન યોજના હેઠળ અમદાવાદ, ભાવનગર, સુરતની કનેકટીંગ વિમાન સેવાનો પ્રારંભ થશે. એક ઓડિશાનું ૧૬ સીટર વિમાન પ્રતિદિન સવારે પોણા આઠ વાગ્યે અમદાવાદથી ભાવનગર આવશે અને અહીથી ભાવનગર થશે. એ જ રીતે સુરતથી ભાવનગર પરત આવી અમદાવાદ જશે. લોકોને સસ્તી વિમાન સેવાનો લાભ મળશે. આ ઉપરાંત ઇન્ડીયન એરલાઇન્સની મુંબઇ સેવા સવારના સમયે કરવા રજૂઆત કરવામાં આવી છે.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી બનવાલે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ. કલેકટર એમ.એ.ગાંધી, સિંહોર પાલિકાના પ્રમુખ તાલુકા ભાજપ પ્રમુખ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જાડેજા, જિલ્લા આયોજન અધિકારી શ્રી જે.બી.વાઘમસિંહ, પ્રાંત અધિકારી શ્રી સિંહોર, મામલતદારશ્રી સિંહોર અધિકારી - પદાધિકારીઓ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનગરના જશોનાથ સર્કલ ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને મેયર નિમુબેન બાંભણીયા, સાંસદ ડો.ભારતીબેન શિયાળ, સ્થાયી સમિતિના ચેરમેન સુરેશભાઇ ધાંધલીયા, દલિત સમાજના અગ્રણી મોહનભાઇ બોરીચા, ડે. મેયર મનહરભાઇ મોરી, જિલ્લા ભાજપ પ્રમુખ સનતભાઇ મોદી, શાસકપક્ષના નેતા યુવરાજસિંહ ગોહિલ, જિલ્લા કલેકટર એમ.એ.ગાંધી સહિતનાએ પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં શહેરના લોકો પણ જોડાયા હતા. આ કાર્યક્રમ બાદ શ્રી અટલ બિહારી બાજપાઇ ઓપનએર થિયેટર ટાઉનહોલ મોતીબાગ ખાતે હેલ્થ ચેકઅપ કાર્યક્રમ મેયર નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.(૪૫.૬)

(12:03 pm IST)