Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

પાંચ-પાંચ વર્ષથી તળાજા નજીક સરતનાપર (બંધારા)ની કાર્યવાહી સરકાર કાગળોમાં ચલાવે છે...!

પાંચ વર્ષ બાદ કહે છે બંધારો નહીં બને ચેક ડેમ બનશે પરંતુ કયારે તે હજુ ચોક્કસ નથીઃ સાંસદને લખેલાં પત્ર થયો વાયરલઃ મેથળા બંધારાનું કામ લોકોએ સ્વંયભુ શરૂ કર્યુ તેમ છતાંય સરકારી બાબુઓ દરખાસ્તના ગાણા ગાય છે

તળાજા તા. ૧૬ :.. તળાજા તાલુકાને વિશાળ દરિયા કિનારો મળ્યો છે. નેતાઓમાં આગવી સુઝબુઝના અભાવે, દરિયાઇ ક્ષેત્રે ઔદ્યોગીક વિકાસ ન શાધી શકવાના કારણે દરિયાઇ ખારાશ સતત વધવાના કારણે હજારો વિઘા જમીન બચાવવા અને ભુગર્ભ જળ સાચવવા માટે વિસ-વીસ વર્ષથી મેથળા અને સુરતાનપર ખાતે બંધારો બાંધવા માટે સ્થાનીક જનતા રજૂઆતો કરે છે. તેમ છતાં સરકારી બાબુઓ અહીંની જનતાની વેદના, પીડા સજમતા નથી...!

નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, ગાંધીનગર દ્વારા પ એપ્રિલ ૧૮ ના રોજ ભાવનગરના સાંસદ અને તળાજાના પુર્વ ધારાસભ્ય ભારબીબેન શિયાળ ને સંબોધી લખેલો પત્ર આજે સાંસદના અંગત માણસો, ભાજપના આગેવાનોએ સોશીયલ મીડીયામાં વાયરલ કર્યો છે.

જેમાં ૩૦-૧ર-૧૩ ના રોજ કરવામાં આવેલ મીટીંગ ત્યારબાદ કરવામાં આવેલી પાંચ વર્ષની કામગીરી હજૂ ખાસ કાગળ પર જ કાર્યરત હોવાનું જાણવા મળે છે.

શેત્રંુજી નદી પર સરતાનપર (બંદર) નજીક બંધારાની જગ્યાએ ચાર-પાંચ ચેક ડેમ બાંધવાની વાત પાંચ વર્ષ બાદ ઉચ્ચારવામાં આવી છે.

શારકામ અને વિગતવાર સર્વે કામ પુર્ણ કરવાના દાવા સાથે હજૂ તો ભુસ્તરીય અહેવાલ તૈયાર થઇ રહ્યો છે. અને ત્યારબાદ આલેખન કામગીરી હાથ ધરવામાં આવશે. આ જોતા પાંચ-પાંચ વર્ષથી ભૂસ્તરીય વિભાગ આલેખનમાં પડી છે. અને સરકાર ગતિશીલ ગુજરાતના દાવાઓ કરે છે.

બીજી તરફ મેથળા બંધારો બનાવવા માટે લોકોએ સ્વંય શ્રમદાન કરી ફંડ એકઠુ કરવા સાથે બંધારા નિર્માણ કાર્ય હાથ ધર્યુ છે. ત્યારે પણ ભુસ્તરીય અહેવાલ તૈયાર થઇ રહ્યાનું ગાણું ગાવામાં આવે છે.

આ બંને યોજનાઓ માટે આલેખનની કામગીરી પુર્ણ થયે વહીવટી મંજૂરી માટે દરખાસ્ત રજૂ કરવામાં આવશે તો સાંસદને પાઠવેલ પત્રમાં દાવો કરવામાં આવ્યો છે. પરંતુ સમય મર્યાદા સંબંધીત વિભાગ દ્વારા આપવામાં આવી નથી.

જેેને લઇ સૂર એવો ઉઠી રહ્યો છે કે સરકાર કાગળ પરની કામગીરીમાં જ વરસો વિતાવી આ વિસ્તારના લોકોને લોલીપોપ આપી રહી છે.

નોંધનીય છે કે બંધારાની વરસોથી અપાતી લોલીપોપ આવનાર ચૂંટણીઓમાં સરકારને જ મતો મેળવવા માટે ભારે પડશે. (પ-ર૧)

(11:58 am IST)