Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ભાજપ કાઉન્સીલર અને મિત્રની હત્યા

આદિત્યાણામાં ફરી ''ડબલ મર્ડર'': ભૂતકાળનું પૂનરાવર્તનઃ મેર હાજા ખૂંટી અને કાના કડછાનો ભોગ લેવાયોઃ નગરપાલિકાની ચૂંટણીના જૂના મનદુઃખઃ ઘાતક હથિયારો વડે ડબલ મર્ડર કરી ૩ આરોપી ફરારઃ ડોગ સ્કવોડ સાથે તપાસ

આદિત્યાણા-પોરબંદર તા. ૧૬: રાણાવાવના આદિત્યાણામાં સુધરાઇની ચૂંટણીના જૂના મનદુઃખથી ભાજપના ચૂંટાયેલ કાઉન્સીલર તથા તેના મિત્રની હત્યા કરી નાખતા ચકચાર જાગી છે.

રાણાવાવ પાસેના આદિત્યાણામાં ભાજપના નગરપાલિકાના ચૂંટાયેલા કાઉન્સીલર હાજા ઉર્ફે ટીડા વીરમ ખૂંટી (ઉ. પ૦) તથા તેના મિત્ર કાના ભૂકા કડછા ઉપર ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરી બન્નેની હત્યા કરી નાખતા ચકચાર જાગી છે. હત્યા કરીને ૩ આરોપી ફરાર થઇ ગયેલ છે.

પોલીસ ડોગ સ્કવર્ડ સાથે સ્થળ ઉપર પહોંચી ગઇ છે તપાસમાં એફએસએલની મદદ લેવાય છે.

રાણાવાવથી ૬ કિ.મી. દૂર આવેલા પોરબંદર પાસેના નાના એવા આદિત્યાણા ગામમાં ''ડબલ મર્ડર''ની આ ત્રીજી ઘટના છે. ભૂતકાળમાં પણ હત્યાની ઘટનાઓ ઘટી છે તેમાં ગઇરાતના એક વાગ્યે ફરી આવી ઘટના ઘટતા આદિત્યાણા ગામ સહિત મેર સમાજમાં સોંપો પડી ગયો છે.

આ લખાય છે ત્યારે સવારે ૧૦ વાગ્યે પોલીસ વધુ કાર્યવાહી કરી છે. વધુ વિગતો મેળવાઇ રહી છે.

પાંચ વર્ષ પહેલા નગરપાલિકાની ચુંટણી થઇ ત્યારે મરનાર હાલ ભાજપના કાઉન્સીલર હાજા ઉર્ફે ટીડા એનસીપીમાં હતા.

જાણવા મળતી વિગત અનુસાર આદિત્યાણા નગરપાલિકાના ભાજપના કાઉન્સીલર હાજા ઉર્ફે ટીડા વિરમ ખુંટી અને કાના ભુકા કડછા નામના આધેડને છરીઓના ઘા અને લોખંડના પાઇપો મારી હત્યા કરવામાં આવેલ છે હત્યા કરનારાઓમાં ત્રણ શખ્સોના નામ આવી રહેલ છે. હજાુ સતાવાર બહાર આવેલ નથી રાણાવાવ પી.એસ.આઇ. પટેલ સાથે આ બાબતે વાત કરતી વેળાએ કહેલ છે કે અત્યારે ઇન્વેસ્ટીગેશન ચાલી રહેલ છે. આ બનાવ ચુંટણીના વેરઝેર અને જુની અદાવતના કારણે બનેલ હોવાનું ચર્ચાઇ રહેલ છે.

(3:08 pm IST)