Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

ભારે પવનને લઇ સવારે દોઢ કલાક ગિરનાર રોપ-વે રહ્યો બંધ

લોકોની સલામતીને લઇ ઉડનખટોલા બંધ રાખવો પડયો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૦ : ભારે પવનને લઇ આજે સવારે દોઢ કલાક ગિરનાર રોપ-વે લોકોની સલામતી માટે બંધ રાખવાની ફરજ પડી હતી જેનેકારણે રોપ-વેની સફર માણવા આવેલા લોકોને પ્રતિક્ષા કરવી પડી હતી.

દિવાળી અને નુતનવર્ષ તહેવારને લઇને ગિરનાર રોયલ-રોપ-વેની સફર માણવા માટે હજારો લોકો ઉમટી પડયા હતા તહેવારોની રજા પૂર્ણ થવા છતા  હજુ પણ રોપ-વેની મજા માણવા લોકોનો ધસારો યથાવત રહ્યો છે.

દરમ્યાન આજે સવારથી ગીરનાર પર્વત પર ભારે પવન ફુંકાતા ગીરનાર રોપ-વે તેના નિયત સમય ૮ વાગ્યે શરૂ થઇ શકયો ન હતો.

ઉષા બ્રેકો કંપનીના દિપક કમલેશ  અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, આજે સવારથી ૪પ કી.મી.ની ઝડપે ગિરનાર પર્વત પર પવન ફુંકાતા સવારે ૮ વાગ્યે રોપ-વે શરૂ થઇ શકયો ન હતો.

તેમણે વધુમાં જણાવેલ કે, સવારે ૮ થી ૯-૩૦ સુધી એટલે કે, દોઢ કલાક લોકોની સલામતીને લઇ ગીરનાર રોપ-વે બંધ રહ્યાો હતો જો કે પવનની ગતિ રાબેતા મુજબની થતા સવારે ૯-૩૦ થી ગિરનાર ટેમ્પલ રોપ-વે શરૂ કરી દેવામાં આવેલ.

આમ દોઢ કલાક સુધી ઉડન ખટોલા બંધ રહેતા રોપ-વેની સફર માણવા પહોંચેલા લોકોને પ્રતિક્ષા કરવી પડી હતી.

(11:48 am IST)