Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

જામનગર જીલ્લાની પણ ૧૦૦ થી વધુ પ્રાથમીક શાળાઓને મર્જ કરવા સામે આગેવાનો-વાલીઓ વિદ્યાર્થીઓનો રોષ

જામનગર : જિલ્લાની પણ 100 થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓને મર્જ કરવાનો રાજય સરકાર દ્વારા તખ્તો ગોઠવવામાં આવી રહ્યો છે. અને એમાં પણ એકલા લાલપુર તાલુકાની જ 32 જેટલી શાળાઓ મર્જ થવાના આરે છે. ત્યારે લાલપુર તાલુકાના આગેવાનો અને વિદ્યાર્થીઓના વાલીઓ જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવી શાળાના મર્જ કરવાના નિર્ણયને રોકવા રજૂઆત કરી હતી.

રાજયના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં લેવામાં આવેલા નિર્ણય મુજબ 30 કે તેથી ઓછી વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી પ્રાથમિક શાળાઓને મર્જ કરી દેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લામાં પણ આવી 100 થી વધુ શાળાઓનો સમાવેશ થાય છે. ત્યારે લાલપુર તાલુકાની પણ 32 જેટલી શાળાઓ આ નિર્ણય હેઠળ આવતી હોય અને કયાંકને કયાંક આ નિર્ણયનો વિરોધ દર્શાવવા આજે લાલપુર તાલુકાના વિવિધ ગામના આગેવાનો, સરપંચો અને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવી શાળાને મર્જ કરવાના નિર્ણયને રોકવા બાબતે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.

જયારે મર્જ થનારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ પણ જણાવ્યું હતું કે શાળાઓ મર્જ થવાના કારણે ગામડાઓમાં વાડી વિસ્તારમાં અભ્યાસ કરતા બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. શાળા મર્જ થતાં તેમને દૂર દૂર સુધી શાળાએ પહોંચવા માટે દ્યણો સમય લાગશે અને કયાંકને કયાંક તેના કારણે બાળકોના અભ્યાસક્રમો ઉપર પણ અસર પડશે. જેથી શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણયને લાગુ કરવામાં ન આવે તેવી અપીલ કરી હતી.

(5:28 pm IST)