Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

મોરબીમાં પીપળીયાના કાંતિલાલ મુછડિયાએ સમાધિ લેવાનો ઇન્કાર કર્યો : પરંતુ તેની સામે કાયદાકીય પગલા લેવા તંત્રને રજુઆત કરાશે

મોરબી, તા. ર૦ :  મોરબીના પીપળીયા ગામના રહેવાસી કાંતિલાલ મુછડિયાએ જીવતા સમાધિ લેવાની જાહેરાત કર્યા બાદ પોલીસ અને જીલ્લાનું તંત્ર દોડતું થયું હતું અને સમજાવવા માટે ઉચ્ચ અધિકારીઓની ટીમોને પણ મોકલી હતી જોકે જીલ્લા એસપી, તેમજ બાદમાં ડીવાયએસપી સહિતની ટીમો સામે વારંવાર ગોળગોળ ફેરવી કાંતિલાલે મામલો ગૂંચવી નાખ્યો હતો અને પોલીસ ટીમો સતત નજર રાખીને કાંતિલાલ કોઈ ખોટું પગલું ના ભરે તે માટે સતત વોચ રાખી હતી દરમિયાન આજે સમગ્ર મામલે નાટ્યાત્મક વણાંક જોવા મળ્યો હતો અને કાંતિલાલ મુછડિયા જે નવદ્યણ દાદા જામદુધઈના આદેશ મુજબ સમાધિ લેવાના હતા તે જામદુધઈ ખાતે નવદ્યણ દાદાની જગ્યાએ કાંતિલાલને લઇ જવામાં આવ્યા હતા અને જગ્યાના મહંત નથુરામ બાપુ સહિતનાઓએ સમજાવ્યા હતા જેથી કાંતિલાલે હાલ સમાધિ નહિ લેવાનું નક્કી કર્યું છે તેમજ બાદમાં દાદાનો આદેશ થશે ત્યારે સમાધિ લેશે તેમ જણાવ્યું હતું તો સમગ્ર બનાવ મામલે મહંત નથુરામ બાપુએ જણાવ્યું હતું કે દાદાએ તમને નિશાની આપી છે તો અમને પણ આપે ને અને તમને નિશાની આપી હોય તો અમને કહો શું નિશાની આપી છે તેમજ કાંતિલાલને સમાધિ ના લેવા માટે સમજાવ્યા હતા અને જીવતા સમાધિ ના લેવા માટે માની ગયા હતા ગુરુના આદેશને પગલે તેને સમાધિ લેવાનો નિર્ણય મુલતવી રાખ્યો છે તા. ૨૮ ના રોજ સમાધિ લેવાની જાહેરાત બાદ ચાર દિવસથી તંત્રને દોડાવ્યું હતું અને આખરે મામલાનો સુખદ ઉકેલ આવી ગયો છે.

મોરબીના પીપળીયા ગામના રહીશ કાંતિલાલ મુછડિયાએ જીવતા સમાધિ લેવાનો દાવો કર્યા બાદ લાંબી સમજાવટને પગલે આખરે તેઓ સમાધિ લેવાનો કાર્યક્રમ મુલતવી રાખવા તૈયાર થયા છે અને આ અંગે જાહેરાત કરી હતી ત્યારે કાંતિલાલ મુછડિયાના સમાધિ લેવાના દાવાને પગલે શરૂઆતથી આ મામલે વિજ્ઞાન જાથાની ટીમ વિરોધમાં હોય અને આજે જામદુધઈમાં આ જાહેરાત કર્યા બાદ વિજ્ઞાનજાથાના જયંત પંડ્યા સહિતની ટીમ કાંતિલાલના દ્યરે પહોંચી હતી

સમગ્ર પ્રકરણ મામલે જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે તે પીપળીયામાં જીવતા સમાધિનો દાવો કરનાર કાંતિલાલના સમગ્ર પ્રકરણને વખોડે છે અને વિજ્ઞાન જાથા ટીમે તેનો ફિયાસ્કો કર્યો છે સમાધિ લેવાનું નાટક કરાયું હતું અને ગુરુએ ગેરમાર્ગે દોર્યા હોય જેથી તેને પણ વખોડ્યા છે જીવતા સમાધિ લેવી કાયદાનો ભંગ છે અને તેને અગાઉ પણ કાંતિલાલને સમજાવ્યા હતા તો હવે જીવતા સમાધી લેવાનો ઇનકાર ભલે કરાયો હોય પરંતુ આ મામલે તેઓ કાયદાકીય પગલા લેવા તંત્રને રજૂઆત કરશે આ કિસ્સો અંધશ્રદ્ઘાને પ્રોત્સાહન આપનારો અને સમાજને નુકશાન કર્તા હોવાનું પણ જણાવ્યું હતું તો આખરે જીવતા સમાધિ કાર્યક્રમ મુલતવી રાખ્યાની જાહેરાત બાદ કાંતિલાલ સાથે વાતચીત કરતા છેવટે તેમને સપનું આવ્યું હોવાની વાત ખોટી સાબિત થઇ છે તે કબુલ્યું હતું તેમજ ગુરુ ધૂણતા હતા અને દોરા ધાગા કરતા હોય જેને તેઓ માનતા નથી અને હવે તે પાછા હટી ગયા છે અને આવું કોઈ કાર્ય કરશે નહિ તેમ જણાવ્યું હતું તો ગુરુ વિષે જણાવ્યું હતું કે ગુરુ ગેરમાર્ગે દોરે તો તેનું માનવું નહિ અને તેની પાસે જવું પણ નહિ.

(1:21 pm IST)