Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ભાવનગરમાં શિપિંગ કંપનીઓ ઉપર બીજા દિવસે આવકવેરાના દરોડાની કામગીરીઃ તપાસનો ધમધમાટ

આવકવેરા વિભાગના ૨૦૦થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયાઃ કરોડોની રોકડ જપ્તઃ આંગડીયા પેઢી પણ ઝપટે

ભાવનગરમાં આવકવેરાની ટીમો ૩૮ સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરતા શીપબ્રેકરો વર્તુળોમાં સન્નાટો છવાઇ ગયો છે. એક આંગડીયા પેઢી પણ ઝપટે પડી ગઇ છે.

ભાવનગર તા.૨૦: ભાવનગરમાં બીજા દિવસે પણ આવકવેરા ખાતાએ  શિપીંગ વ્યવસાયકારોને ત્યાં દરોડાની કામગીરી ચાલુ  રાખી છે. ગઇકાલે સવારથી રાત્રી સુધી આવકવેરા ખાતાની ટીમે  ટોચની પ્રિયાબ્લ્યુ શિપિંગની કંપની સહિતની કંપનીઓ ઉપર આવકવેરા ખાતાના ૨૦૦થી વધુ અધિકારી-કર્મચારીઓની ટીમે  દરોડાની કામગીરી શરૂ કરી હતી. આજે બુધવારે બીજા દિવસે પણ કામગીરી શરૂ હોવાનુ જાણવા મળ્યુ છે.

ભાવનગરમાં ગઇકાલ સવારથી જ આવકવેરા ખતાના કાફલાએ શીપબ્રેકિંગ, બિલ્ડીંગ અને ફર્નેશના વ્યવસાય સાથે સંકળાયેલા ૫થી ૬ મોટા ભાગના વેપારીઓ સીધી ૩૮ સ્થળે દરોડા પાડ્યો છે. શહેરમાં રૂપાણીસર્કલ, માધવહિલ, શિશુવિહારવિગેરે વિસ્તારોમાં રહેણાંક અને ઓફિસ ધરાવતા ઉદ્યોગપતિઓ , શીપબ્રેકરોને ત્યાં વહેલી સવારમાં છ વાગ્યાના સુમારે આવકવેરાની અલગ - અલગ ટીમો ત્રાટકી હતી અને બેનામ સંપતિ , ટેકસ ચોરી સહિતની બાબતો ની તપાસ હાથ ધરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ શીપબ્રેકરો સંજય મહેતા , હિતેશ મહેતા પોતાની ઓફિસ તેમજ 'પ્રિયાબ્લ્યુ' ઈન્ડસ્ટ્રીઝની ઓફીસે આવકવેરા પોતાની ટીમ ત્રાટકી હતી. ઉપરાંત નજીકના  માણસો અને હિસાબો તૈયાર કરનાર એકાઉન્ટન્ટને પણ તપાસ હાથ ધરાઇ છે.  એક  આંગડીયાને ત્યા પણ તપાસ થઇ હોવાનુ જાણવા મળે છે. દરોડા પોલીસ બંદોબસ્ત ચુસ્ત ગોઠવાયો હતો. શહેરમાં શીપબ્રેકરોમાં આવકવેરાના દરોડાને પગલે ફફડાટ સાથે ચર્ચા જાગી હતી.

આવકવેરા ખાતાની સુરત,  અમદાવાદ, મહેસાણા અને વડોદરા સહિતની જગ્યાએથી  ૫૦ જેટલી ટીમો  ભાવનગર ત્રાટકી છે અને તપાસ  હાથ ધરવામાં આવી છે.

(1:15 pm IST)