Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

અમરેલીમાં નવી યોજનાઓનું સહકારી સંસ્થાઓ દ્વારા અમલીકરણ અંગે સહકારી સેમીનાર યોજાયો

જિલ્લા સહકારી સંઘના ચેરમેન મનીષભાઇ સંઘાણી, અશ્વિનભાઇ સાવલીયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

અમરેલી તા.૨૦ : જીલ્લાની ચારેય ટોચની સહકારી સંસ્થાઓ દ્વારા સહકાર સપ્તાહની ઉજવણીમાં અમરેલી જીલ્લા સહકારી સંઘના ચેરમેન મનીષભાઇ સંઘાણી તેમજ અમર ડેરી અમરેલીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયાની ઉપસ્થિતિમાં સરકારશ્રીની નવી યોજનાઓનુ સહકારી સંસ્થાાઓ દ્વારા અમલીકરણએ વિષય વસ્તુ પર સહકારી સેમીનાર યોજાયો હતો.

 અમર ડેરી, અમરેલીના જનરલ મેનેજર ધાર્મિકભાઇ રામાણીએ સૌનુ સ્વાગત પ્રવચન કરેલ હતુ.

અમર ડેરી અમરેલીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયાએ અમરેલી જીલ્લા સહકારી સંઘ અમરેલીના ચેરમેન મનીષભાઇ સંઘાણીનું શાલ ઓઢાડી સન્માન કરેલ હતુ. ત્યારબાદ ઉપસ્થિત દૂધ મંડળીઓના મંત્રીશ્રીઓએ અનુક્રમે અશ્વિનભાઇ સાવલીયા, ચેરમેન અમરડેરી તેમજ ડો.આર.એસ.પટેલ એમડી અમર ડેરી તેમજ ધાર્મિકભાઇ રામાણી, જનરલ મેનેજર અમર ડેરીનું શાલ ઓઢાડી સન્માન કરેલ હતુ.

અમર ડેરી અમરેલીના એમડી ડો.આર.એસ.પટેલે વકતવ્યમાં જણાવેલ કે દિર્ઘ દ્રષ્ટિયુકત નેતાગીરીના લીધે સ્થપાયેલ અમર ડેરીએ ટુંકાગાળામાં જ પ્રગતી કરી છે. સંઘના ચેરમેન મનિષભાઇ સંઘાણીએ જણાવેલ કે આજના દિવસનું વિષયવસ્તુ સરકારશ્રીની નવી યોજનાઓનું સહકારી સંસ્થાઓ દ્વારા કેવી રીતે વધુ વ્યાપક અમલીકરણ કરી સમાજના છેવાડાના અને ગરીબ માણસને લાભાન્વિત કરી શકાય તે અંગે સમજણ આપી હતી. સ્કીલ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા પ્રધાનમંત્રી જન ધન યોજના, સ્વચ્છ ભારત અભિયાન વગેરે યોજનાઓનો ઉલ્લેખ કરી તેઓએ તેની સહકારી માળખાની મદદથી વધુ વ્યાપક રીતે લોકો સુધી પહોચાડવા માટે સહકારી માળખાની કામગીરી અને દ્રઢ કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા.

અધ્યક્ષસ્થાનેથી બોલતા અશ્વિનભાઇ સાવલીયાએ જણાવેલ કે હાલમાં દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ  દેશના સહકારી દુધ ઉત્પાદન માળખાને બહુ મોટી ક્ષતીમાંથી બચાવી લીધેલ છે કેમકે આ કરારમાં જો આપણો દેશ જોડાયો હોત તો વિદેશી દૂધની બનાવટો સસ્તા ભાવે ખૂબ મોટા પ્રમાણમાં આપણા બજારોમાં ઠલવાત અને આપણા સહકારી દૂધ વ્યવસાયને મોટુ નુકશાન થઇ શકે તેવી પરિસ્થિતિ તેઓની દીર્ધ દ્રષ્ટિ અને આપણા સહકારી નેતૃત્વની સબળ રજૂઆતોને લીધે નિવારી શકાય છે.

અમરેલી જીલ્લામાં યોજાયેલ આ સહકાર સપ્તાહના અને તેના વિવિધ સેમીનારો દ્વારા વ્યાપકપણે લોકો સુધી સહકારની વાત પહોચાડવા માટે તેમણે મનીષભાઇ સંઘાણીને અભિનંદન પાઠવ્યા હતા.

અમરડેરી અમરેલીના ડો.કામદાર દ્વારા આભારવિધી કરાઇ હતી. ડેરીના અધિકારીશ્રીઓ, ગઢવીભાઇ, ચિંતનભાઇ વગેરે કર્મચારીઓ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સેમીનારનું સંચાલન અમરેલી જીલ્લા સંઘના એસ.પી.ઠાકર, સી.ઇ.આઇ દ્વારા કરેલ હતુ.

(12:12 pm IST)