Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

જૂનાગઢમાં રેલ્વે ફાટક અંડરબ્રીજ રખડતા ઢોર ઐતિહાસિક સ્મારકોની જાળવણી સહિત પ્રશ્ને મુખ્યમંત્રીને રજૂઆત

જૂનાગઢ તા.૨૦ : શહેરમાં જોષીપુરા રેલ્વે ફાટક અંડરબ્રીજ રખડતા ઢોર ઐતિહાસિક સ્મારકોની જાળવી પાર્કિંગ સહિત વિવિધ પ્રશ્ને હરસુખભાઇ વઘાસિયા સમુહલગ્ન પ્રણેતા અને સમાજ સેવક, પ્રિતીબેન બી.વઘાસીયા પ્રમુખ શ્રી જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ તથા મનસુખભાઇ વાજા પ્રમુખશ્રી સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવેલ કે આંતરીક નાનામોટા માર્ગો તો ઠીક શહેરની ધોળી નસ સમાન સાબલપુરથી મજેવડી દરવાજા, ગાંધીચોક, કાળવાચોક, કોલેજરોડ, બસસ્ટેન્ડ રોડ, એમજી રોડ, મોતીબાગ રોડ, મધુરમ બાયપાસ વગેરે રસ્તાઓની હાલત આજના દિવસ સુધી ગાડામાર્ગને પણ શરમાવે તેવી છે. ચોમાસાને વિદાય લીધાનો ઘણો સમય થયો છતા મનપા તંત્ર રસ્તાનું રીપેરીંગ કરી શકયુ નથી. પરિણામે દિવાળી અને પરિક્રમા જેવા તહેવારોમાં બહારથી આવેલ લાખો મુલાકાતીઓ સમક્ષ જૂનાગઢની છબી ખરડાઇ છે. તેમજ જૂનાગઢની જનતા ચારેક માસથી અતિશય બિસ્માર માર્ગોના લીધે હાડમારીનો સામનો કરે છે.

શહેરને ગામડાની વ્યાખ્યામાં મુકતી બીજી સમસ્યા રખડતા ઢોરની છે. લોકોને ડગલેને પગલે રખડતા ઢોરનો સામનો કરવો પડી રહ્યો છે. જેમા ફકત આખલા કે ગાયો જ નહી શેરીએ શેરીએ વધી ગયેલ શ્વાસની સંખ્યા પણ ત્રાસદાયક છે. મનપા દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં આ દિશામાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

જોષીપરામાં રેલ્વે ફાટક અને અંડરબ્રીજનો પ્રશ્ન શિરદર્દ સમાન છે. દિવસના ૨૪ કલાકમાં ૧૮ થી વધુ વખત બંધ થતા રેલ્વે ફાટકને લીધે પ્રજાના સમય પૈસાની બરબાદી થાય છે એક તબકકે સવા લાખની વસતી ધરાવતા જોષીપરાનો આખો વ્યવહાર જાણે રેલ્વેફાટકને લીધે ખોરવાઇ જાય છે. ઓવરબ્રીજ બનાવવાની વાતો લાંબા સમયથી ચાલે છે. કેન્દ્ર કે રાજય સરકાર માટે બ્રીજ બનાવવો મોટી વાત નથી. અમદાવાદ સુરત જેવા શહેરોમાં ગણતરીના મહિનાઓમાં મસ મોટા ઓવરબ્રીજ બને છે પરંતુ જૂનાગઢમાં એક સામાન્ય ઓવરબ્રીજ બનતો નથી !

સાંકડા માર્ગો ધરાવતા જૂનાગઢના રસ્તો પર આડેધડ વાહનો પાર્ક થાય ત્યારે લોકોની સમસ્યા બેવડાઇ જાય છે. ખાસ કરીને એમજી રોડ, બસસ્ટેન્ડ, ગાંધીચોક, તળાજા દરવાજા, મોતીબાગ, સરદારબાગ, ઝાંઝરડા રોડ બાયપાસ જેવા કોમ. વિસ્તારોમાં લગભગ મોટાભાગના ખાનગી કોમ્પલેક્ષમાં પાર્કિંગની સુવિધા નથી.

જૂનાગઢની સ્થિતિ જાહેર શૌચાલયના મામલે અતિ દારૂણ છે. શહેરમાં ચાર પાંચ સ્થળોએ જાહેર શૌચાલયો અને આઠ દશ સ્થળોએ યુરીનલ છે. પરંતુ અહી પગ મુકાય તેવી દશા નથી હોતી. જૂનાગઢ યાત્રાધામ હોવાથી લાખો મુલાકાતીઓ આવે છે. આ તમામને જાહેર શૌચાલયોને અભાવે ભારે હાડમારીનો સામનો કરવો પડે છે.

ભવનાથ તળેટી અને વિલીંગ્ડન ડેમ સાઇટનો વિકાસ થવાના બદલે દિવસેને દિવસે હાલત કથળી રહી છે. ભવનાથની લોકો માટેની ખુલ્લી જગ્યા આડેધડ વિકાસના બહાને ઓછી થઇ રહી છે. વિલીંગ્ડન ડેમ સાઇટ વિસ્તાર તો જાણે કે અસામાજીકોનો અડ્ડો હોય તેવો ભય અહી આવતા મુલાકાતીઓને થઇ રહ્યો છે.

નવાબી નગરીમાં અનેક ઐતિહાસિક સ્મારકો છે. પવિત્ર દામોદરકુંડથી માંડી અશોક શિલાલેખ ઉપરકોટનો કિલ્લો, મહાબત મકબરો, ખાપરા કોઢીયાની ગુફાઓ, દિવાન ચોક વિસ્તારની રંગ મહેલ સહિતની ઐતિહાસિક ઇમારતોની જાળવણીમાં કેન્દ્ર અને રાજય સરકારના પુરાતત્વ વિભાગ બેદરકારી દાખવી રહ્યા છે. મોટો પ્રાચીન વારસો જૂનાગઢ પાસે હોવા છતા આશ્ચર્ય જનક રીતે જૂનાગઢમાં પુરાતત્વ વિભાગની કચેરી જ નથી તેમ રજૂઆતમાં જણાવેલ છે.

(12:11 pm IST)
  • ગાંધી પરિવારની સુરક્ષા પર સંસદમાં ધમાલઃ ભાજપ - કોંગ્રેસના સાંસદો આમને - સામને access_time 1:02 pm IST

  • સંસદમાં ખેડૂતોના પ્રશ્ને શરદ પવાર અને નરેન્દ્રભાઇ વચ્ચે મુલાકાતઃ સત્તાવાર એજન્ડાઃ પરંતુ મહારાષ્ટ્રના ગુંચવાયેલા કોકડા અંગે ચર્ચા થશે ? access_time 1:03 pm IST

  • અત્યાર સુધી દિલ્હીના મુખ્યમંત્રી એકલા ઉધરસ ખાતા હતા હવે આખુ દિલ્હી ખાય છે : દિલ્હીમાં હવાઈ પ્રદુષણ મામલે ભાજપ સાંસદ પ્રવેશ વર્માનો કટાક્ષ : કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીની પણ દિલ્હી સરકાર ઉપર તડાપીટ access_time 8:22 pm IST