Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

૩૦૭ના ગુનામાં આગોતરા સાથે હાજર થયા બાદ પોલીસે ફટકાર્યાનો આક્ષેપ

વિરપુરનો વનરાજ કોળી અને કિશન કોળી સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૦: જેતપુરના વિરપુરમાં જલારામનગરમાં રહેતાં વનરાજ દિનેશભાઇ રૂદાતરા (કોળી) (ઉ.૨૫) તથા તેનો મિત્ર કિશન જેન્તીભાઇ ડાભી (કોળી) (ઉ.૨૩) એકાદ મહિના પહેલા નોંધાયેલા હત્યાની કોશિષના ગુનામાં પરમ દિવસે સેસન્સ કોર્ટમાંથી આગોતરા જામીન લઇ વિરપુર પોલીસ મથકમાં હાજર થતાં તે વખતે પોલીસે માર માર્યાની રાવ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.

કિશને હોસ્પિટલના બિછાનેથી કહ્યું હતું કે અગાઉ ગામમાં ડાભી પરિવારના લોકોને માથાકુટ થઇ હોઇ પોતે પણ ડાભી હોઇ મિત્ર વનરાજને સાથે લઇ ઝઘડાના સ્થળે જોવા ગયો હોઇ પોતાને અને મિત્રને પણ આરોપીમાં સામેલ કરી દેવામાં આવ્યા હતાં. ૩૦૭ની કલમો હેઠળ ગુનો નોંધાયો હોઇ પોતે બંને મિત્રો પરમ દિવસે આગોતરા જામીન લઇ પોલીસ મથકમાં હાજર થયા હતાં. આ કારણે પોલીસે ખાર રાખી માર માર્યો હોઇ દુઃખાવો ઉપડતાં પોતે સારવાર માટે દાખલ થયાનું કહેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વિરપુર પોલીસ મથકમાં એન્ટ્રી નોંધાવી છે. બંને મિત્રોએ પહેલા વિરપુર સારવાર લીધી હતી. પીએસઆઇ અને સ્ટાફે મારકુટ કર્યાનો આરોપ મુકવામાં આવ્યો છે.

(11:53 am IST)