Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

મોરારીબાપુની કથા પહેલા વિરપુરના રસ્તાનું સમારકામ કરો

વિજયભાઇને પત્ર પાઠવીને શ્રી જલારામ રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટ વતી નરેશ ચાંદ્રાણીની રજૂઆત

રાજકોટ તા. ર૦ :.. હજારો લાખો લોકોના આસ્થાના કેન્દ્ર યાત્રાધામ વિરપુર (જલારામ)માં જાન્યુઆરી મહિનામાં પૂ. મોરારીબાપુની શ્રીરામ કથાનું ભવ્ય આયોજન કરાયુ છે ત્યારે  પૂ. જલારામબાપાના દર્શનાર્થે આવતા હજારો - લાખો ભાવિકોનાં હિતમાં યાત્રાધામ વિરપુર (જલારામ)ના રસ્તાઓનું સમારકામ કરવા શ્રી જલારામ રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટ વતી નરેશભાઇ જે. ચાંદ્રાણીએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને તાત્કાલીક યોગ્ય કરવા માગણી કરી છે.

શ્રી જલારામ રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટ વતી નરેશભાઇ જે. ચાંદ્રાણીએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પાઠવેલ  પત્રમાં જણાવ્યું છે કે, યાત્રાધામ વિરપુર (જલારામ) ખાતે દર વર્ષે લાખો લોકો પૂ. જલારામબાપાના દર્શને આવે છે પરંતુ રસ્તો બિસ્માર હોવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના વિરપુર (જલારામ) માં મીનળવાવ ચોકથી હોટલ પંચવટી સુધીના રોડને સી.સી. રોડ બનાવવા તથ તેની લંબાઇ પ૪૬ મીટર અને પહોળાઇ ૯ મીટર રાખવા માટે માંગણી કરી છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પાઠવેલા પત્રમાં શ્રી જલારામ રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટ વતી નરેશભાઇ જે. ચાંદ્રાણીએ વધુમાં જણાવ્યું છે કે, પૂજય શ્રી જલારામબાપાએ ૧૮ર૦ ઇ.સ. ના શરૂ કરેલા અન્નક્ષેત્રને ચાલુ સાલે જાન્યુઆરી ર૦ર૦ માં ર૦૦ વર્ષ સંપન્ન થાય છે. 'ટૂકડો ત્યા હરી ઢૂકડો' ની અહાલેક પૂજય બાપાની હતી, હજુ અન્નક્ષેત્ર ર૦૦ વર્ષ પછી પણ એજ ગતિએ, પધ્ધતિએ ચાલે છે. તા. ૧૮-૧-ર૦ થી ર૬-૧-ર૦ દરમ્યાન અન્નક્ષેત્રના ર૦૦ વર્ષની ઉજવણીના અનુસંધાને વિશ્વમાનનીય સંતશ્રી મોરારીબાપુની રામકથાનું ભવ્ય આયોજન છે. તે અવસરે દેશ-દેશાવરમાંથી હજારો-લાખો લોકો આવવાના છે. તેથી વીરપુરમાં  જર્જરિત થયેલા માર્ગો (રિપેર) કરવાની ખાસ જરૂર છે. તો તેના પર લક્ષ આપીને તે કરાવવા માટે માનસર રજૂઆત છે.

આ માટે વીરપુર ગામમાંથી રવિ હોટલથી શરૂ કરીને તોરણ હોટલ સુધીનો ર.૯૦ કિ. મી. નો રાજમાર્ગ. સ્પેશ્યલ હાઇવેથી દર્શનનો માર્ગ પંચવટી હોટલથી મીનળવાવ ચોક સુધીનો માર્ગ રીપેર કરવા શ્રી જલારામ રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટ વતી, વિરપુરના નરેશભાઇ જે. ચાંદ્રાણી એ અંતમાં જણાવ્યું છે.

(11:52 am IST)