Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

રવિવારે હાર્દિક પટેલ ઉપલેટામાં: ખેડૂત અધિકાર સંમેલન-ઉપવાસ

કમોસમી વરસાદ-વાવાઝોડામાં પાકને ભારે નુકશાન થતા પાકવિમો આપવા દેવુ માફ કરવા માંગણી કરાશે

રાજકોટ, તા., ર૦: પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ ખેડૂતોના પ્રશ્ને સૌરાષ્ટ્ર-કચ્છને ઘમરોળી રહયા છે. ત્યારે તા.ર૪ને રવિવારે હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં ઉપલેટામાં પ્રતિક ઉપવાસ અને ખેડુત અધિકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે હાર્દિક પટેલે અકિલાને જણાવ્યું હતું કે ઉપલેટાના બાવળા ચોક ખાતે તા.ર૪ને રવિવારે સવારે ૧૧ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી પ્રતિક ઉપવાસ યોજાશે. ત્યાર બાદ સાંજે ૪.૩૦ વાગ્યે ખેડૂત અધિકાર સંમેલન યોજાશે.

જેમાં ખેડુતોને તાત્કાલીક સંપુર્ણ પાક વિમો આપવો, ખેડુતોનું દેવુ સંપુર્ણ માફ કરવું સહીતના ખેડૂતોને લગતા પ્રશ્નો ઉકેલવા અંગે સરકાર સમક્ષ માંગણી કરાશે.

આ પ્રતિક ઉપવાસ અને ખેડૂત અધિકાર સંમેલનમાં ધારાસભ્યોને તથા ખેડુત આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમજ ઉપલેટા તથા આસપાસના ગામના ખેડુતો મોટીસંખ્યામાં ઉમટી પડશે અને સરકાર સામે અવાજ ઉઠાવશે.

આ જાહેર સભામાં હાર્દિક પટેલ, પાલભાઇ આંબલીયા, લલીતભાઇ વસોયા, લલીતભાઇ કગથરા, હર્ષદભાઇ રીબડીયા, ભીખાભાઇ જોષી, ચીરાગભાઇ કાલરીયા, પ્રવિણભાઇ મુંછડીયા, બ્રીજેશભાઇ મેરજા ગજવશે.

યુવા નેતા અને ખેડુત પુત્ર હાર્દિક પટેલ તથા ધોરાજી-ઉપલેટાના લોકપ્રિય ધારાસભ્ય લલીતભાઇ વસોયાની ઉપસ્થિતિમાં જગતના તાત એવા ખેડુત પરીવારોના અધિકારની લડાઇનો પ્રારંભ થઇ રહયોછે. સમગ્ર ગુજરાતમાં હાલ ખેડુત જ યાતના ભોગવી રહયા છે. એક બાજુ સરકારની નિતીઓ અને બીજી બાજુ કુદરતના પ્રકોપનો ભોગ ખેડુતો બની રહયા છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી કુદરતી આપતીનો ભોગ સતત ખેડુતો બની રહયા છે.

કુદરતી આફતો સામેની નુકશાની માટે વિમા કવચ માટે પ્રિમીયમ પણ ભરી રહયા છે. પણ વિમા કંપનીઓ ખેડુતોને કાયમ અંગુઠો બતાવે છે અને વળતર માટે ઠાગાઠૈયા કરે છે. આના કારણે ખેડુતો સતત પાયમાલ થઇ રહયા છે અને કંપનીઓ તગડી થઇ રહી છે. આવા સૌ ખેડુત ભાઇઓ સંગઠીત થઇએ અને આપણા અધિકારની લડાઇ લડીએ તેમ હાર્દિક પટેલે જણાવ્યું છે.

(11:51 am IST)