Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

પાંચ -પાંચ વાવાઝોડાથી માછીમારોની સીઝન ફેઈલ :સરકાર સહાય જાહેર નહીં કરે તો આંદોલનની ચીમકી

વેરાવળમાં સાગરખેડુઓનું સંમેલન યોજાયું : ઓખાથી જાફરાબાદ પટ્ટીના 50 બંદરોના માછીમાર આગેવાનોની હાજરી

 

વેરાવળ : વેરાવળમાં માછીમારોનું મોટું સંમેલન યોજાયું હતું જેમાં ઓખાથી જાફરાબાદ સુધીના દરિયાપટ્ટીના 50 બંદરોના માછીમાર આગેવાનોએ હાજરી આપી હતી. એક પછી એક  પાંચ-પાંચ વાવાઝોડાના વિપરિત અસરથી માછીમાર સમુદાય પરેશાન થઇ ગયો છે. ચાલુ વર્ષની માછીમારી સીઝન સંપૂર્ણ પણે ફેઇલ ગઇ હોવાથી માછીમારો મુશ્‍કેલીમાં મુકાયા છે. માછીમાર સમાજ તરફ રાજય સરકાર ઘ્‍યાન આપી મદદરૂપ થાય તે માટે રણનીતી ઘડવા સંમેલન યોજાયું હતું. છેલ્લા બે દાયકા માં સૌથી વધુ નુકસાન આ વર્ષે થયું હોવાનો માછીમારોનો દાવો છે. ત્રણ માસની મુખ્ય સીઝનમાં માત્ર પંદર દિવસ જ ફિશિંગ કરી શક્યા હોવાનું પણ માછીમારોએ જણાવ્યું હતું.

ધરતીપુત્રો એવા ખેડૂતોને સહાય રૂપ બનવા રાજ્ય સરકારે જે પ્રકારે 700 કરોડનાં રાહત પેકેજની જાહેરાત કરી છે. તે જ પ્રકારે સાગરખેડૂને પણ સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જો સરકાર સત્વરે આ અંગે કોઇ પગલાનહી ભરે તો ભવિષ્યે મોટુ આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. એક ફિશિંગ બોટ ( ટ્રોલર) દીઠ 10 લાખ અને એક નાની હોડી દીઠ 3 લાખનું નુકસાન થયાનો માછીમારોનો પ્રાથમિક અંદાજ છે.

(11:04 pm IST)